

મોરબીની મુખ્ય શાક માર્કેટમાં ગટર ઉભરાવવાનો પ્રશ્ન છેલ્લા દોઢેક વર્ષથી જોવા મળી રહ્યો છે છતાં નીમ્ભર તંત્ર પાસે ઉભરાતી ગટરનો કોઈ ઈલાજ નથી જેથી વેપારીઓ અને ખરીદી માટે આવતા ગ્રાહકો અનેક પરેશાનીનો સામનો કરી રહ્યા
મોરબીના નહેરુ ગેઇટ નજીક આવેલી શહેરની મુખ્ય શાકમાર્કેટ માત્ર મોરબીના જ નહિ પરંતુ ટંકારા, વાંકાનેર અને માળિયા સહિતના વિસ્તારના લોકો માટે ખરીદીનું મુખ્ય સ્થળ છે. શાકભાજી ઉપરાંત અન્ય જીવનજરૂરી ચીજ વસ્તુઓ માટે નિયમિત હજારો ગ્રાહકો આ બજારમાં ખરીદી માટે આવતા હોય છે પરંતુ બજારમાં ઉભરાતી ગટરની સમસ્યાથી સૌ કોઈ પરેશાન છે. બજારમાં ભૂગર્ભ અવારનવાર છલકાઈ જતી હોવાથી ગટરના ગંદા પાણીના તલાવડા ભરાઈ જતા હોય છે. ગટરના પાણીના તલાવડા જોઇને ગ્રાહકો ખરીદી માટે આવી સકતા નથી. જેથી વેપારીઓને વેપારધંધામાં નુકશાની સહન કરવી પડતી હોય છે અને વેપારને અસર કરે છે. હાલ આમેય ઓફ સીઝન હોવાથી બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઉભરાતી ગટરની સમસ્યાથી વેપારીઓને ડબલ ફટકો સહન કરવો પડી રહ્યો છે. અગાઉ ગટરની સમસ્યા મામલે વેપારીઓએ બંધ પાળીને પાલિકા કચેરીએ ઉગ્ર રજૂઆત કરેલી છે અને માત્ર જેવી તેવી સફાઈ કરીને તંત્ર પોતાની જવાબદારી માંથી હાથ ખંખેરી લે છે જેથી ફરીથી ગટર ઉભરાવા લાગે છે અને છેલ્લા દોઢેક વર્ષથી સમસ્યા હોવા છતાં હજુ સુધી પાલિકા તંત્ર તેનો કોઈ કાયમી ઉકેલ શોધી શક્યું નથી.