મોરબી જીલ્લમાં અતિવૃષ્ટિ બાદ થાળે પડતી પરિસ્થિતિ

કલેક્ટર શ્રી આઇ. કે. પટેલ દ્વારા વરસાદને કારણે થયેલી નુકસાનીનો સર્વે કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા

મોરબી જિલ્લામામાં, ખાસ કરીને ટંકારા તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે ઉદ્દભવેલી સ્થિતિ હવે થાળે પડી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તત્કાલ થયેલી રાહત અને બચાવની કામગીરીને પરિણામે કોઇ પણ જાનહાની થઇ નથી. કલેક્ટર શ્રી આઇ. કે. પટેલ દ્વારા વરસાદને કારણે થયેલી નુકસાનીનો સર્વે કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. જ્યારે, અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ, ક્લોરીનની ગોળીઓનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
મોરબી કલેક્ટર શ્રી આઇ. કે. પટેલે જણાવ્યું કે તા.૧-૭-૧૭ના રોજ સવારના સાત વાગ્યાથી બપોરના બે વાગ્યા દરમિયાન ટંકારા તાલુકામાં ૨૮૦ એમએમ, વાંકાનેરમાં ૧૬૨, મોરબીમાં ૧૪૧, હળવદમાં ૧૨૧ અને માળિયા તાલુકામાં ૪૫ એમએમ વરસાદ પડ્યો હતો. ખાસ કરીને ટંકારા તાલુકામાં ૧૧ ઇચ વરસાદ પડવાના કારણે અતિવૃષ્ટિની સ્થિતિ ઉદ્દભવી હતી. ટંકારા તાલુકાના ખાખરા તથા લક્ષ્મીનગરના ઝૂંપડા વિસ્તારમાં ભારે પાણી ભરાઇ ગયા હતા. તેની જાણકારી મળતા જ ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી. મોરબી જિલ્લામાં પાણીમાં ફસાયેલી કુલ ૧૯ વ્યક્તિને એનડીઆરએફ તથા મોરબી-રાજકોટની ફાયર બ્રિગેડની ટીમો દ્વારા બચાવી લેવામાં આવી હતી. બીજી બાજુ, જિલ્લાના તમામ ગામોમાં સંપર્ક કરી લેવામાં આવ્યો છે.
કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે મોરબી જિલ્લામાં કુલ ૧૫૨૯ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં ટંકારા તાલુકામાં ૧૫૦ પરિવારોના ૭૦૦ લોકો, વાંકાનેર તાલુકાના ૫૫ પરિવારોના ૨૫૦ લોકો, મોરબી તાલુકાના આમરણ, ધૂળકોટ અને બેલા ગામના ૫૭૯ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સ્થળાંતરિત પરિવારો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ લોકોને શાળાઓમાં રાખવામાં આવ્યા હતા. જે ઘરોમાં પાણી ભરાયા છે, તેવા ઘરોનો સર્વે કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
ભારે વરસાદના કારણે મોટા ખીજડિયાનું તળાવ તૂટી જતા નાના ખીજડિયા ગામમાં ૧૪ તથા મોટા ખીજડિયા ગામમાં એક પશુ મળી કુલ ૧૫ પશુના મોત થયા છે. પશુઓના મૃતદેહોનો નિકાલ કરવા સૂચના આપવામાં આવી છે. પશુમૃત્યુના કિસ્સામાં તત્કાલ સહાય ચૂકવવામાં આવશે.
ટંકારા તાલુકાના ૩૩ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. જે પૈકી ૯ ગામોમાં તત્કાલ શરૂ કરી દેવામાં આવ્યો હતો. બાકીના ગામોમાં વીજપુરવઠો શરૂ થઇ જાય એ માટે પીજીવીસીએલ દ્વારા ૧૦ ટીમોને કામે લગાડવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ ૮ ટીમો દ્વારા આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના એક રોડને રૂ. ૫૦ લાખનું નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. જ્યારે, પંચાયત હસ્તના માર્ગોની સ્થિતિ અંગે સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે.
ટંકારા તાલુકા પંચાયત કચેરી તથા આંગણવાડી કેન્દ્રમાં પાણી ભરાવાના કારણે રેકર્ડ, ફર્નિચર અને કમ્પ્યુટરને નુકસાન થયું હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે.
કલેક્ટર શ્રી આઇ. કે. પટેલે જાહેર અપીલ કરી છે કે નદી-ડેમો, ચેકડેમોમાં નહાવા પડવું નહી. પાણી વહેતું હોય એવી સ્થિતિમાં પૂલ પરથી વાહન લઇને કે ચાલીને પસાર થવું નહીં. કોઇ પણ ઇમર્જન્સીમાં કલેક્ટર કચેરીના નંબર ૧૦૭૭ ઉપર સંપર્ક કરી શકાય છે.
તા. ૨ના સવાર સુધીમાં મોરબી ૮૪ એમએમ, ટંકારા ૨૦૬, માળિયા ૧૧૬, હળવદમાં ૯૫, વાંકાનેરમાં ૯૨ એમએમ વરસાદ નોંધાયો છે. મચ્છુ-૨ ડેમ ૩૦.૮૪ ફૂટ ભરાયો છે.

 

Comments
Loading...
WhatsApp chat