



મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન છે. શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે મુખ્યમાર્ગો પર ટ્રાફિક બ્રિગેડ તૈનાતી કરવા ઉપરાંત પોલીસના અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરીને ટ્રાફિકની સમીક્ષા કરવામાં આવી રહી છે જેમાં તાજેતરમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરીને વાહનચાલકોને કાયદાનું ભાન કરાવ્યું હતું.
મોરબી શહેરની મુખ્ય બજારોમાં આડેધડ પાર્કિંગ ઉપરાંત દબાણોને પગલે ટ્રાફિક સમસ્યા વધતી હોય તેવી પરિસ્થિતિને ધ્યાને લઈને એ ડીવીઝન પી.આઈ. ઓડેદરા, પીએસઆઈ જે.ડી.ઝાલાએ સ્ટાફને સાથે રાખીને પરાબજારથી ગાંધી ચોક, વસંત પ્લોટ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આધેધડ પાર્કિંગ કરતા વેપારીઓ અને નાગરિકોને કાયદાનું પાલન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમજ નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને કાયદાનું ભાન કરાવ્યું હતું. વેપારીઓ અને નાગરિકો પોલીસને સહયોગ પૂરો પાડે તેમજ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે સૌ જાગૃત બને તેવી અપીલ કરવામાં આવી હતી.

