



જીએસટી લાગુ થયા બાદ હવે પછી કોઈ જ સિરામિક મેન્યુફેક્ચર્સ વિધાઉટ બીલ માલ ના વેચવાનો નિર્ણય સિરામિક એસોસીએશન દ્વારા લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને ટાઈલ્સના ટ્રેડર્સ દ્વારા પણ સ્વીકારવામાં આવે તે માટે સિરામિક એસોસીએશન હોલ ખાતે ટાઈલ્સ ટ્રેડર્સ એસોસીએશનની બેઠક મળી હતી જેમાં સિરામિક એસો.ના પ્રમુખ નીલેશ જેતપરિયા, ટાઈલ્સ ટ્રેડર્સ એશો. પ્રમુખ કે.કે.પટેલ, ઉપપ્રમુખ ગણાત્રાભાઈ, કૌશિક પટેલ સીટના હોદેદારોએ બીલ વગરનો માલ વેચવાની નુકશાની તથા સંપૂર્ણ બીલ સાથેનો માલ વેચવાથી થતા ફાયદાઓ સમજાવ્યા હતા. જેનો હાજર રહેલા ૫૦૦ જેટલા ટાઈલ્સ ટ્રેડર્સ દ્વારા સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યો હતો.
મોરબી ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં મોરબી ટાઈલ્સ ટ્રેડર્સ એશો. પ્રમુખ કે.કે.પટેલે જણાવ્યું હતું કે કોઈ જ ટ્રેડર્સ બીલ વિનાનો માલ વેંચતા કે ખરીદતા પકડાશે તો વોલ ટાઈલ્સ પર ૫ લાખ અને વીટ્રીફાઈડ ટાઈલ્સ વેચનારા ટ્રેડર્સને ૧૦ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. બીજી તરફ જો કોઈ ટ્રેડર્સ વિધાઉટ બીલ વેંચનારા વોલ ટાઈલ્સ ઉત્પાદકનો ટ્રક પકડાવી દેશે તો ૧,૨૫,૦૦૦ અને વીટ્રીફાઈડ ટાઈલ્સ ઉત્પાદનનો ટ્રક પકડાવવા પર ૨,૫૦,૦૦૦ નું ઇનામ ટ્રેડર્સને આપવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.

