



મોરબી જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ રાજકોટિયા અને ટંકારા તાલુકા કોંગ્રેસનાં ભુપેદ્રભાઈ ગોધાણી એ ટંકારા તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે મોરબી જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.રજુઆતમાં જણાવ્યું છે કે હાલમાં ચોમાસાંની સીઝનમાં ટંકારા તાલુકામાં થયેલા અનરાધાર વરસાદને કારણે ટંકારા તાલુકાનાં ગામડાઓનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે અને જમીનની ધોવાણ થતા ટંકારા તાલુકાનો ખેડૂત ૨ વર્ષ સુધી કોઈ પાક લઈ શકે તેમ નથી. તેથી ટંકારા તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવા માંગ છે. ઘરોમાં પાણી ભરાવવાથી નુકસાન થયું હોય કેશ ડોલ સહાય ચૂકવવા અને ખેડુતોના શેઢા તથા જમીનનું ધોવાણ થતા નુકસાની મુજબ વળતર આપવા પાક વીમો જાહેર કરવા માંગણી છે.
ટંકારાની આજુબાજુમાં આવેલી મિલો, દુકાનો અને ઓઈલ મિલો જેવા નાના નાના એકમોનાં ઉદ્યોગમાં ૫થી ૭ ફૂટ પાણી ભરાવવાનાં કારણે ઘણી નુકસાની થતા સર્વે હાથ ધરી દુકાનો તથા ઉદ્યોગો માટે અલગ પેકેજ જાહેર કરવા માંગણી છે.ખેડૂતોને અગાઉ પણ પાક વીમો ન ચૂકવાતા ખેડૂતોની સ્થિતિ કપોળી બની છે. હાલમાં ખેડૂતોએ દેવા કરીને કરેલ ખેતી અતિવૃષ્ટિમાં ધોવાઈ ગઈ છે. આથી ટંકારા તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવાની અરજ જિલ્લા પંચાયતનાં સદસ્ય મહેશભાઈ રાજકોટિયા અને ટંકારા તાલુકા કોંગ્રેસનાં ભુપેદ્રભાઈ ગોધાણી એ કરી છે.

