



મોરબી જીલ્લામાં જાન્યુઆરીથી ઓગસ્ટ માસમાં કુલ આઠ સ્વાઈન ફ્લુના કેસો નોંધાયા છે જેમાં પાંચ પુરુષ અને ત્રણ મહિલાને સ્વાઈન ફ્લુના પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે જેમાં મહિલા સહીત બેના મોત થયા છે. સ્વાઈન ફ્લુને ફેલાતો અટકાવવા માટે મોરબી જીલ્લા આરોગ્ય ટીમ દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જીલ્લા કલેકટર આઈ.કે.પટેલના અધ્યક્ષસ્થાને આરોગ્યની બેઠક મળી હતી જેની સુચના મુજબ ડીડીઓ એસ.એમ.ખટાણા, જીલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ૩૦ સ્થળે ઉકાળા કેન્દ્રમાં અત્યારસુધીમાં ૧૫,૦૦૦ થી વધુ લોકોને ઉકાળો આપવામાં આવ્યો છે તે ઉપરાંત જીલ્લાના ૨૭ પીએચસી સેન્ટરમાં ઉકાળા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવશે. લોકોમાં જનજાગૃતિ લાવવા માટે આઈએફસી રથ દરેક પીએચસીમાં કાર્યરત છે જેમાં વાન પોસ્ટર દ્વારા લોકોને સ્વાઈન ફ્લુથી સાવચેત રહેવાના ઉપાયો જણાવાય છે. આરોગ્યની ટીમ દ્વારા જીલ્લામાં હાઉસ ટૂ હાઉસ સર્વે કામગીરી ચાલુ છે જેમાં સ્વાઈન ફ્લુ તેમજ મેલેરિયા સહિતના રોગોના દર્દીઓનો સર્વે કરાઈ રહ્યો છે. જીલ્લા કલેકટર દ્વારા ખાનગી ડોક્ટર અને કેમિસ્ટ સાથે બેઠકો યોજી સ્વાઈન ફ્લુના પેશન્ટને કેવી રીતે ટ્રીટ કરવા સહિતના માર્ગદર્શન આપવામાં આવ્યા છે. તે ઉપરાંત જીલ્લામાં હોડીંગ અને પેમ્પ્લેટ મારફત લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો આજે અન્ય ત્રણ શંકાસ્પદ કેસો જણાતા તેને રાજકોટ રીફર કરવાની તજવીજ હાથ ધરી છે. જોકે સ્વાઈન ફ્લુ પોઝીટીવ છે કે નહિ તે રીપોર્ટ બાદ જાણી શકાશે.

