મોરબી એસટી ડેપોની ખખડધજ બસોના મેન્ટેનન્સમાં તંત્રનું બેદરકાર વલણ

મોરબી ડેપોની એસટી બસનું હિમતનગર નજીક ચાલુ બસે ટાયર નીકળ્યું

ત્રણ દિવસમાં બે બસોના ટાયર

નીકળ્યા છતાં તંત્ર બેફીકર

મોરબી એસટી ડેપોનો વહીવટ આડેધડ રીતે ચલાવવામાં આવતો હોય તેમ લાગી રહ્યું છે. અપૂરતી બસોની સંખ્યા ઉપરાંત હયાત બસો પણ ચાલી સકે તેમ ના હોવા છતાં ધરાર ચલાવવામાં આવી રહી છે. આયુષ્ય પૂર્ણ થઈ ચુકેલી બસો ચલાવવાથી મુસાફરોના જીવ સતત જોખમમાં જોવા મળે છે તો મેન્ટેનન્સનો અભાવ પણ જણાઈ રહ્યો છે. તાજેતરમાં ડેપોની બે બસોના ટાયર ચાલુ ટ્રીપ દરમિયાન નીકળી ગયાની ગંભીર બેદરકારી સામે આવી છે.

મોરબી ડેપો દ્વારા મોરબી ઉદયપુર અને મોરબીથી ઉમિયાનગર રૂટની બસો ચાલે છે. જેમા ગત તા. ૨૩ ના રોજ વરસાદની સ્થિતિમાં ટ્રાવેલ કરતી ઉદયપુર રૂટની બસ નં ૧૫૧ નું ટાયર હિંમતનગર નજીક ચાલુ બસે નીકળી ગયું હતું તેવી જ રીતે તા. ૨૬ ના રોજ બસ નંબર ૭૨૭૫  મોરબીથી ઉમિયાનગર રૂટમાં જતી હોય ત્યારે ચાચાપર નજીક બસનું ટાયર નીકળી ગયું હતું જોકે બંને બસોના ડ્રાઈવરની સમયસુચકતા

ને પગલે કોઈ અકસ્માત સર્જાયો ના હતો પરંતુ બંને બસમાં સવાર મુસાફરોના જીવ તંત્રની બેદરકારીથી જોખમમાં મુકાયા હતા. મોરબી ડેપોમાં આવી તો અનેક બસો છે જેના કિલોમીટર ચાર-છ માસથી કે એક વર્ષથી પૂર્ણ થઇ ગયા હોવા છતાં તેને ધરાર ચલાવવામાં આવે છે તો વળી આવી જૂની અને ખખડધજ બસોમાં સમયસર મેન્ટેનન્સ પણ કરવામાં આવતું ના હોવાનું મોરબી ડેપોના આધારભૂત સુત્રો જણાવી રહ્યા છે જેથી મોરબી ડેપોની આવી બસોમાં મુસાફરી કરતા હજારો મુસાફરો રોજ રામભરોસે જ મુસાફરી કરી રહ્યા છે તો એસટી તંત્ર માટે મુસાફરોના જાનની કોઈ કીમત ના હોય તેવી રીતે વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે.

ડેપો મેનેજરે ફોન પણ ઉઠાવ્યો

મોરબીની એસટી બસો ખખડધજ હાલતમાં જોખમી હોવા છતાં ચલાવવામાં આવે છે જેથી મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે તો આવી ગંભીર બાબતે ડેપો મેનેજરનો ટેલીફોનીક સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો જોકે સાહેબ પાસે જવાબ ના હોય તેમ ફોન ઉઠાવ્યો ના હતો અને જવાબ આપવાથી બચવાનો હીન પ્રયાસ કર્યો હતો.

વધારે પાણીથી સ્ટડની સમસ્યા : હેડ મિકેનિક

મોરબી ડેપોના હેડ મિકેનિક ધર્મરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હાલ ભારે વરસાદમાં રોડ પર વધારે પાણી હોવાથી સ્ટડની સમસ્યા જોવા મળે છે. ટાયર નીકળી નથી ગયા પરંતુ ટાયરમાં જે સ્ટડ આવે તે ઢીલું પડી જાય છે. અન્ય ડેપોની બસોમાં પણ આવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

Comments
Loading...
WhatsApp chat