

મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા એક સ્પામાં મોરબી એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળતા પોલીસે સ્પાના સંચાલક સામે મોરબી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગત મુજબ, એસ.ઓ.જી.ની ટીમે લીલાપર કેનાલ રોડ પર લાડલી પાર્ટી પ્લોટની સામે આવેલા ભાર્ગવ શોપિંગ સેન્ટરના પહેલા માળે ‘ગ્રેવિટી સલૂન એન્ડ સ્પા’માં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન સ્પાના સંચાલક બળવંતભાઈ મોતીભાઈ નકુમ (રહે. વાવડી રોડ, કારીયા સોસાયટી) એ પોતાના સ્પામાં કામ કરતી એક મહિલા કર્મચારીના બાયોડેટા ફોર્મ ભરીને પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરી ન હતી. આ ઉપરાંત, સ્પાની અંદર સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ પણ નિયમ મુજબ રાખવામાં આવ્યું ન હતું. આમ, જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના સ્પા પાર્લર અંગેના જાહેરનામાનો સ્પષ્ટ ભંગ થતો હોવાનું માલૂમ પડતા પોલીસે સંચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.



