

મોરબીના મેઘાણીની વાડીના રહેવાસી લત્તાવાસીઓનું ટોળું પાલિકાએ પહોંચ્યું હતું જ્યાં ચીફ ઓફિસરને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે મેઘાણીની વાડીમાં ૩૦૦ જેટલા લોકો રહે છે. જેનની નજીક હીરાસરીના કાચા રસ્તામાં પાણીનું નાળું બનાવી ઉપર સીસીરોડ બનાવવાનું કામ છેલ્લા ૨૫ દિવસથી ચાલે છે જે નવા રોડમાં ઢાળ કુદરતી પાણીના નિકાલની દિશામાં રાખવામાં આવે છે પરંતુ આ રોડ પર આવેલ બાલાજી હોમ્સ, અંજની રેસીડેન્ટ અને સરસ્વતી એપાર્ટમેન્ટના રહીશોના દબાણને વશ થઈને કોન્ટ્રાકટર દ્વારા પાણીના નિકાલનો ઢાળ બદલી તેના મકાન તરફ રાખ્યો છે અને કુદરતી ઢાળથી વિરુદ્ધ ૧ ફૂટ જેટલો ઉંચો રાખેલ છે જેથી ચોમાસામાં અરજદારોના મકાનમાં પાણી ઘુસી જાય તેવી મુશ્કેલી સર્જાઈ છે. આ મામલે કોન્ટ્રાકટર અને આ વિસ્તારના રહીશોએ તેની સાથે ઝઘડો કર્યો હતો અને ધમકીઓ આપી હતી ત્યારે આ રસ્તા પર ઢાળ કુદરતી પાણીના નિકાલની દિશામાં રાખવામાં આવે અને અરજદારોના મકાનમાં પાણી ભરાય તે રીતે ઉંચો ના રાખવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. લત્તાવાસીઓના ટોળાએ નવા રોડ સામે વાંધા અરજી દાખલ કરી રજૂઆત કરી હતી અને રોડનું કામ અટકાવવાની માંગ કરી હતી જેને પગલે પવડી વિભાગે રોડનું કામ બંધ કરાવવા ખાતરી આપી હતી જોકે અરજદારો પોતાના વિસ્તારમાં પરત ફરતા રોડનું કામ ચાલુ જ હોવાનું માલૂમ પડ્યું હતું જેથી કોન્ટ્રાકટરની દાદાગીરી સામે લત્તાવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.