



મોરબીમાં હવે પોલીસ નામ માત્ર રહી હોય તેમ રાત્રીના સમયે નિશાચરો સમા તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે અને દિન-પ્રતિદિન તસ્કરો ચોરીને અંજામ આપતા રહે છે. જ્યાં તાજેતરમાં ફુડ પ્રોડકટના કારખાનામાં રૂ.1.18 લાખના મેંદાના જથ્થાની ચોરી થયાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.
જેમાં ફરિયાદી રૂત્વીકભાઈ દિનેશભાઈ બોડાએ જણાવ્યું હતું કે, મોરબી તાલુકા નાની વાવડી ગામ માધવ ગૌશાળાની પાછળ સંકેત ફુડ પ્રોડકટના કારખાનામા તા.૨૨ જૂનના રોજ રાત્રી દરમ્યાન અજાણ્યા ઇસમેં કારખાનાનો દરવાજાનો નકુચો તોડીને કારખાનામાં પ્રવેશ કરીને કારખાનાની અંદર પડેલ નોબલ કંપનીનો મેંદાના લોટના આશરે ૫૦ કિગ્રાના આશરે-૮૫ ગુણી (કટટા) કિ રૂ- ૧,૧૮,૧૫૦/-ની ચોરી કરી છે.
આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આઇ.પી.સી કલમ-૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તો પોલીસ દ્વારા જીલ્લા અને શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને ટપોરીયો અને રોમિયોને પાઠ ભણાવવામાં આવી રહ્યા છે પણ સાહેબ તસ્કરો જિલ્લાને બાનમાં લઈને ચોરીને અંજામ આપી રહ્યા છે તો તેને કોણ પાઠ ભણાવશે ? તેની સામે કોઈ નક્કર કામગીરી થશે ? તે એક સવાલ ઉભો થયો છે

