Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં શીતળા સાતમ નિમિતે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી

પવિત્ર શ્રાવણ માસમાં બોળ ચોથથી જ તહેવારોની મોસમ આવી જાય છે જેમાં આજે શીતળા સાતમના દિવસે સવારથી મોરબીમાં આવેલા પ્રાચીન મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ દર્શન માટે ઉમટી પડી હતી. અને ઝરમર વરસાદ વચ્ચે પણ ભક્તોની ભીડ જોવા મળી હતી અને ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માતાજીના મંદિરમાં શીશ ઝુકાવ્યું હતું.

આજે શીતળા સાતમના દિવસે શ્રદ્ધાળુઓ ઠંડો ખોરાક ખાઈને સાતમની ઉજવણી કરે છે તેમજ દરબાર ગઢ નજીક આવેલા પ્રાચીન શીતળા માતાજીના મંદિરે સવારથી ભક્તોની ભીડ જામે છે. આ મંદિરના પૂજારી દમયંતીબેન ગોસ્વામીના જણાવ્યા અનુસાર આ મંદિર ૭૦૦ વર્ષ જેટલું પ્રાચીન છે. તેમજ માતાજીની મૂર્તિ સ્વયંભુ પ્રગટ થઈ હોવાથી મંદિરનું વિશેષ મહત્વ રહેલું છે. શીતળા સાતમના દિવસે ભક્તો પોતાના બાળકોને શીતળા માતાજીના દર્શન કરાવવા લઈને આવે છે જેથી બાળકોની માતાજી રક્ષા કરે છે. તો આ મંદિરમાં છેલ્લા ૪૦ વર્ષથી નિયમિત દર્શનાર્થે આવતા ચંદ્રિકાબેન નામના શ્રદ્ધાળુએ જણાવ્યું હતું કે શીતળા માતાજી બાળકોની અને સૌની રક્ષા કરે છે. માતાજીના ચરણોમાં આજે બાળકોને નમન કરાવવાથી તેમને ઓળી અને અછબડા જેવા રોગોથી માતાજી મુક્તિ આપે છે અને તેમનું રક્ષણ કરે છે. તે પોતે માતાજીમાં ખુબ શ્રદ્ધા ધરાવે છે અને આ મંદિરે માનવામાં આવતી શ્રદ્ધાપૂર્વકની દરેક માનતા અને ઈચ્છાઓ માતાજી પરિપૂર્ણ કરે છે. આજે ઝરમર વરસાદ વચ્ચે પણ દુર દુરથી ભક્તો માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવવા પહોંચી ગયા હતા. તો નગરપાલિકા દ્વારા આયોજિત ચાર દિવસીય લોકમેળાને આજે ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ તેમજ પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Comments
Loading...
WhatsApp chat