



મોરબીમાં આજે પ્રદેશ યુવા ભાજપ ઋત્વિજ પટેલની બાઈક રેલી પૂર્વે જ તેના પોસ્ટરમાં કાળી શાહી લગાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેનો વળતો પ્રહાર કરતા ઋત્વિજ પટેલે પાછળથી વાર કરનારા સામે આવવાની હિમત બતાવે તેવા પ્રહારો કરીને સરદાર પટેલ કોઈના બાપના નહિ પરંતુ આખા દેશના નેતા હોવાનું જણાવ્યું હતું. આજે પ્રદેશ યુવા ભાજપના ઋત્વિજ પટેલની આગેવાનીમાં મોરબીના દરબારગઢ ખાતેથી બાઈક રેલી નીકળી હતી જેમાં ધારાસભ્ય,સાંસદ સભ્યો પણ જોડાયા હતા.
દરબારગઢથી નીકળેલી બાઈક રેલી શહેરના મુખ્યમાર્ગો પરથી ફરી હતી જેમાં દરબારગઢ ખાતે સ્વામી વિવેકાનંદ, નવા બસ સ્ટેન્ડ સામે સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરાયા હતા તો યુવા ભાજપ પ્રમુખના હારતોરા બાદ પાસની ટીમ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને દૂધથી નવડાવી સફાઈ કરાઈ હતી તેમજ અહી લગાવેલા ભાજપના ઝંડા પણ ઉખાડીને ફેંકી દીધા હતા. તો રેલી પૂર્વે જ ઋત્વિજ પટેલના પોસ્ટરો શહેરમાં ઠેર ઠેર લગાવવામાં આવ્યા હતા જે પોસ્ટરમાં અજાણ્યા શખ્શો દ્વારા કાળી શાહીથી ઋત્વિજ પટેલના મોને કાળું કરવામાં આવ્યું હતું.

