મોરબી પોલીસના મદારસિંહ મોરીની સ્ટેટ વિજીલન્સ ટીમમાં પસંદગી




દરેક નોકરી કરતા કર્મચારીઓને સમયાન્તરે પ્રમોશન મેળવીને પ્રગતિ કરવાનું સ્વપ્ન રહેતું હોય છે. તો પોલીસ વિભાગ જેવી નોકરીમાં પણ સારી કામગીરીને આધારે પ્રમોશન અપાય જ છે. સામાન્ય રીતે સ્થાનિક પોલીસમાં નોકરી કરતા પોલીસના જવાનને લોકલ ક્રાઈમ બ્રાંચ કે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવવાની ઈચ્છા હોય છે પરંતુ કેટલાક પોલીસના જવાનો તેનાથી પણ ઉચ્ચ સ્વપ્નો સેવીને તેને સાકાર કરી બતાવે છે. એવા જ એક મોરબી પોલીસના જાંબાજ જવાન છે મદારસિંહ મોરી. મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચમાં અસાધારણ કામગીરી કર્યા બાદ થોડા સમય પૂર્વે જ બદલીના દોરમાં તેની બદલી એ ડીવીઝન પોલીસમથકમાં કરવામાં આવી હતી જોકે મદારસિંહ મોરીની હિમત, તેની કામ પ્રત્યેની લગન અને પ્રમાણિકતાથી પ્રભાવિત થઈને તેને પસંદગી સ્ટેટ મોનીટરીંગ સેલમાં કરવામાં આવી છે. ગાંધીનગર સ્ટેટ વિજીલન્સ તરીકે ઓળખાતી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમમાં હવે મોરબીના જાંબાઝ જવાન મદારસિંહ મોરી ફરજ બજાવશે. પોતાની લગન અને મહેનતથી તેને એવું સ્વપ્ન સિદ્ધ કરી બતાવ્યું છે જે અન્યને પણ પ્રેરણા આપશે.

