



પીજીવીસીએલ વર્તુળ કચેરી મોરબી હેઠળ કુલ ૪ વિભાગીય કચેરીઓ અને ૧૮ પેટા વિભાગીય કચેરીઓ આવેલી છે. જેમાં મોરબી જિલ્લાના ૫ તાલુકાઓ અને સુરેન્દ્રનગર જિલ્લાના ૧ તાલુકામાં વીજ વિતરણની કામગીરી કરવામાં આવે છે. સદર વીજ વિતરણની કામગીરી માટે આશરે ૧૬૨૪૬ કિલોમીટર ભારે દબાણ વાળી વીજ લાઈન તેમજ ૬૦૩૪ કિલોમીટર હળવા દબાણ વાળી વીજ લાઈન અને ૬૩૨૭૮ ટ્રાન્સફોર્મર મારફત ૩૪૫ ગામોના આશરે ૩,૪૭,૨૨૧ ગ્રાહકોને અવિરત વીજ પૂરવઠો મળી રહે તેવી વ્યવસ્થા થયેલ છે. હાલના વરસાદી માહોલમાં દરેક પેટા વિભાગીય કચેરીઓના કર્મચારીઓ તેમજ અધિકારીઓ તમામ ગ્રાહકોને અવિરત વીજ પૂરવઠો મળે તે માટે સતત પ્રયત્નશીલ હોય છે.
જેનાં અનુસંધાને ગઈ કાલે તા.૧૭.૦૬.૨૦૨૨ ના દિવસે કુલ ૪૭૧ ફોલ્ટ આવેલા હતાં અને બધા જ ફોલ્ટ રીપેર થઈ ગયેલા હતા. તદુપરાંત કુલ ૫૬ ફીડરો ફોલ્ટમાં હતા જે તમામ રીપેર કરેલ જેમાંથી ૧૦ ફિડરો માત્ર બે કલાકની અંદર રીપેર કરેલ. તેમજ કુલ ૨૮ ટ્રાન્સફોર્મરો ફેઈલ થયેલ જે પૈકી અમારા કર્મચારી દ્વારા ખુબ જ મહેનત કરીને ૦૮ ટ્રાન્સફોર્મરો સ્થળ પર જ રીપેર કરી આપેલ અને બાકીના ૨૦ ટ્રાન્સફોર્મરો ૨૪ કલાકની અંદર બદલવાની કામગીરી કરવામાં આવેલ. વીજ પૂરવઠો ખોરવાય તો ગ્રાહકોને તેમના વિસ્તારની પેટા વિભાગીય કચેરીનો તેમજ તેના ફોલ્ટ સેન્ટરનો સંપર્ક સાધવા મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર બી.આર.વડાવીયા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

