મોરબી: પાંજરાપોળ દ્વારા આવતીકાલે જિલ્લાના ધારાસભ્યોના સન્માન સહિત ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન

મોરબીમાં આવતીકાલે પાંજરાપોળ ટ્રસ્ટી મંડળ દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રંચડ બહુમતીથી જીત હાંસલ કરનાર જિલ્લાના ધારાસભ્યોનું સન્માન કરવામાં આવશે. સાથોસાથ ગૌવંશ દર્શન-વન દર્શન અને ધૂન ભજન સહિત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

આ અંગેની કાર્યક્રમના આયોજક અને મોરબી પાંજરાપોળ ટ્રસ્ટી મંડળના ઉપપ્રમુખ વેલજીભાઇ ખોડાભાઈ ઉઘરેજાની યાદીમાં જણાવ્યા અનુસાર આવતીકાલે તારીખ 19ના રોજ સાંજે 04:00 કલાકે શહેરના સરતાનપર રોડ ખાતે આવેલી પાંજરાપોળમાં વિશેષ ત્રિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં પ્રથમ ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, જીતુભાઈ સોમાણી અને દુર્લભજીભાઈ દેથરીયા સહિતના આગેવાનોનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા વિશેષ પણે ઉપસ્થિત રહેશે. જે બાદ ગૌવંશ દર્શન-વન દર્શન તથા બજરંગ ધૂન મંડળની ધૂન ભજનનો કાર્યક્રમ યોજાશે.  કાર્યક્રમ સંપન્ન થયે સ્વરુચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, આ કાર્યક્રમમાં દાન ભેટ સ્વીકારવામાં આવશે નહીં. સમગ્ર આયોજનને સફળ બનાવવા  મોરબી પાંજરાપોળ ટ્રસ્ટીગણ પ્રમુખ ડો. નીતિનભાઈ આર. મહેતા, ભુપતભાઈ ચંદુલાલ દોશી, ગીરધરભાઇ એમ. આદ્રોજા, કાંતિલાલ શિવલાલ અમૃતિયા, પ્રવીણભાઈ ઓ. ભાલોડીયા, કરશનભાઈ કાનજીભાઈ હોથી, વશરામભાઇ વાલજીભાઈ દેત્રોજા, હિતેશભાઈ કે. ભાવસાર અને જયેશભાઈ સી. શાહ દ્વારા જહેમત ઉઠવામાં આવી રહી છે.

Comments
Loading...
WhatsApp chat