મોરબીની ભૂગર્ભ ગટર નો પ્રશ્ન જલ્દી ઉકેલાઈ જવાની ખાતરી આપતું પાલિકાતંત્ર

મોરબી શહેરમાં વરસાદ બાદ ઠેર ઠેર ગંદકી, વરસાદી પાણીનો ભરાવો અને ઉભરાતી ગટરના પ્રશ્ને માઝા મૂકી છે. એક સપ્તાહથી નિયમિત એક કરતા વધારે ટોળા કચેરીએ હલ્લાબોલ કરી રહ્યા છે ત્યારે આખરે પાલિકા તંત્રને શરમ આવી હોય તેમ બે થી ત્રણ દિવસમાં જ ભૂગર્ભ ગટરનો પ્રશ્ન ઉકેલાઈ જશે તેવી ખાતરી આપવામાં આવી છે.

મોરબી પાલિકાના પ્રમુખ ગીતાબેન કણઝારીયા દ્વારા જણાવ્યું છે કે શહેરમાં અતિ ભારે વરસાદથી ભૂગર્ભ ગટર ચોક અપ થઈ જવાની ફરિયાદો ઉઠેલી છે. જેમાં નાલા અને વોકળાના નિકાલ પર ગેરકાયદેસર દબાણ કરી અને તે વોકળાના નિકાલ ભૂગર્ભમાં આપી દેવાયા છે તેમજ આ ભૂગર્ભ લાઈનમાં કચરો-પ્લાસ્ટિક વગેરે એકત્ર થતા હોય છે જેથી ભૂગર્ભ ચોક અપ થઈ ગઈ છે. મહેન્દ્રપરા-માધાપર અને મચ્છી પીઠ વિસ્તારના લોકોએ રજૂઆત કરી હતી. દર ચોમાસે આવા પ્રશ્ન થતા હોવાનું પણ નાગરિકો પોતાની રજૂઆતમાં જણાવી રહ્યા છે જેના પગલે જીલ્લા કલેકટર અને ધારાસભ્યને તાત્કાલિક રજૂઆત કરવામાં આવી છે જેમાં મોરબી નગરપાલિકાની ૫૦ લોકોની ટીમ સાથે સુપર સકશન મશીન બરોડાથી મંગાવેલ છે. જામનગરની ટીમ અને જેટીંગ મશીનો તથા જરૂરી યાંત્રિક સાધનો કામ પર લગાડીને સફાઈ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. નગરપાલિકાના વાહનો તથા માણસોની રાત દિવસની હાજરી ચાલુ રાખી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાના સતત માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલુ છે. હાલ શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ ૨-૩ દિવસમાં ભૂગર્ભના પ્રશ્નોનો નિકાલ થઈ જશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat