

મોરબી શહેરમાં નવી ભૂગર્ભ ગટર યોજનાનું કામ થઇ ચુક્યું હોય છતાં પાલિકા તંત્ર તેનો કબજો સ્વીકારવા માટે તૈયાર ના હોય અને તાજેતરમાં નગરપાલિકા પ્રમુખે જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ નં ૦૨ રાપર કચ્છના નાયબ કાર્યપાલક ઈજનેરને પત્ર લખીને ભૂગર્ભ ગટર યોજનાનો કબજો લેવા ઇનકાર કર્યો છે. મોરબી નગરપાલિકા પ્રમુખના જણાવ્યા અનુસાર મોરબી નગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજના બાબતે કચેરી તરફથી ૨૦૧૫ ની સાલથી પત્ર વ્યવહાર કરીને સ્પષ્ટતા કરવા અને કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું છતાં કોઈ નક્કર કાર્યવાહી થયેલી જણાતી નથી. મોરબી શહેરની ભૂગર્ભ ગટર યોજના ટેન્ડરની શરતી જોગવાઈઓ મુજબ શહેરની તમામ હયાત અને નવા વિસ્તારોમાં નવેસરથી કરવાની થતી હતી તેમજ ટેન્ડરમાં જણાવેલ પંપ હાઉસો તથા મેઈન હોલ, કુંડીઓ વગેરે આનુસંગિક કામગીરી ટેન્ડર મુજબ પૂર્ણ થઈ નથી. શહેરના નાખવામાં આવેલ ભૂગર્ભ નગરપાલિકાના કોઈપણ અધિકારી કે કર્મચારીને સાથે રાખીને કામગીરી કરવામાં આવી નથી. તેમજ કલેકટરની મીટીંગમાં થયેલ ચર્ચા મુજબ મોરબી શહેરમાં નાખવામાં આવેલ ભૂગર્ભ લાઈનો લાઈન લેવલની હોઈ તેવું જણાતું નથી. જેથી મોરબી શહેરના નાગરિકો તરફથી ભૂગર્ભની અસંખ્ય ફરિયાદના કારણે લોકોના મનમાં શંકા છે કે ભૂગર્ભ યોજના સફળ જશે કે કેમ ?
તે ઉપરાંત ટેન્ડર જોગવાઈઓ મુજબની કામગીરી ના થવાથી અસંખ્ય ફરિયાદો ઉભી થવા પામેલ છે. તેમજ ટેન્ડર જોગવાઈ મુજબ કામ પૂર્ણ થયા બાદ બે વર્ષ સુધી મેઇન્ટે નન્સ પણ પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવાની જોગવાઈ હતી તે મુજબ કોઈ પ્રકારનું મેન્ટેનન્સ થતું નથી. કોઈપણ સ્ટાફ કે એજન્સીનો સ્ટાફ હાજર હોતો નથી. કોઈ કામગીરી થતી નથી, કોઈ વાહનો ચાલુ નથી અને કોઈ મશીનરી મુકેલ નથી. નવી નખાયેલ ભૂગર્ભની લાઈનો જૂની લાઈનો સાથે જોડાણ કરેલ છે. પરિણામે જૂની લાઈનો પણ બંધ થઈ ગયેલ છે. તમામ કુંડીઓ મેઈન હોલ પણ ચોક અપ થઇ ગયા છે. અને પંપ હાઉસો પણ કાર્યરત થયેલ નથી જેથી ભૂગર્ભ ગટર યોજના સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે અને મોરબી શહેરની ભૂગર્ભ ગટર યોજના પાલિકા દ્વારા સ્વીકારવાની થતી નથી તેમ પાલિકા પ્રમુખે જણાવ્યું છે.