

મોરબી પાલિકામાં સત્તાની લાંબી ખેંચતાણ બાદ આખરે ભાજપના પ્રમુખ ગીતાબેન કણઝારીયા અને ઉપપ્રમુખપદે ભરતભાઈ જારીયા સ્પષ્ટ બહુમતીથી ચૂંટાઈ આવતા તમામ અટકળોનો અંત આવ્યો હતો. અને ભાજપની નવી બોડી દ્વારા હવે વિવિધ કમિટીઓની રચના કરવા માટે આજે તા. ૨૧ ને શુક્રવારે પાલિકાના હોલમાં સાધારણ સભા બોલાવી છે જેમાં વિવિધ કમિટીઓની રચના કરવાની સાથે મલાઈદાર હોદાની પણ લ્હાણી થવાની હોય, ભાજપના સદસ્યો પોતાને મનચાહા હોદા મેળવવા માટે લોબિંગ કરવામાં લાગી ગયા છે. જોકે મોરબી પાલિકાનો ઈતિહાસ ગવાહ છે કે કમિટીની રચના હોય કે પછી પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણીઓ હોય કોઈને કોઈ ખેલ તો પડે જ છે જેથી ભાજપ સતર્કતા દાખવી રહ્યું છે તો સામાપક્ષે કોંગ્રેસ પણ હાર માની લેવાના મૂડમાં નથી જણાઈ રહ્યું. અગાઉ કોંગ્રેસના ઉપપ્રમુખના અધ્યક્ષસ્થાને મળેલી બોર્ડની બેઠકમાં વિવિધ કમિટીની રચના કરવામાં આવી હતી તે મામલો કોર્ટમાં છે તો છેલ્લે મળેલી સાધારણ સભા પૂર્વે અગાઉની સાધારણ સભા મામલે વિપક્ષને કોર્ટમાંથી સ્ટે મળ્યો હતો પરંતુ સમયસર સ્ટેની કોપી નહિ મળતા સાધારણ સભાને મંજુરી મળી હતી જેથી આજે કોંગ્રેસના આગેવાનો અગાઉની કમિટીની રચના મામલે અથવા તો છેલ્લે મળેલી સાધારણ સભા માટે સ્ટે લાવવા માટે દોડધામ કરી રહ્યા છે. જેથી ભાજપે આપેલી હારનો બદલો લઇ સકાય. આમ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ સાધારણ સભામાં જોરદાર ટક્કર માટે તૈયારી કરી રહ્યા છે તો કોંગ્રેસમાંથી બગાવત કરીને વિકાસ સમિતિની રચના કરનાર સદસ્યો પર સૌની મીટ મંડાયેલી છે. પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણીમાં આ વિકાસ સમિતિના મતો તેમજ કોંગ્રેસના મતો મળતા જ ભાજપને જીત મળી હતી જોકે આંકડાની રમત ગમે ત્યારે બદલાઈ સકે છે કારણકે ભાજપ-કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી નથી. ત્યારે કમિટીની રચનામાં જો અસંતોષનો ચરુ ઉકલે તો ફરીથી નવાજુની થઈ સકે છે.