


મોરબી પંથકમાં દર વર્ષે ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરીના મોટા બણગા ફૂંકવામાં આવે છે. સરકારી ચોપડે પ્રી મોન્સૂન કામગીરી માટેના ખર્ચ પણ દર્શાવાય છે પરંતુ મેઘાની ઇનિંગ શરુ થતા જ પાલિકાની બોલતી બંધ થઇ જાય છે. આ વર્ષે પણ આવા જ કઈક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મેઘરાજાના વિરામ બાદ શહેર આખું ઉકરડામાં ફેરવાઈ ગયું છે. ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો, ઉભરાતી ગટરથી ત્રાહિમામ લોકો નિયમિત પાલિકાએ હલ્લાબોલ કરી રહ્યા છે. મેઘરાજાના વિરામ બાદથી નિયમિત પાલિકાએ એક કરતા વધારે ટોળા કચેરીને બાનમાં લે છે જેમાં આજે શહેરના છેવાડે આવેલા રણછોડનગરની મહિલાનું ટોળું પાલિકા કચેરીએ ધસી ગયું હતું જેને ગંદકી મામલે ઉગ્ર રજૂઆત કરીને પાલિકાના ઉપપ્રમુખ સમક્ષ તાકીદે સફાઈ અભિયાન ચલાવવાની માંગ કરી હતી. પાલિકા કચેરીએ રોજેરોજ આવતા મહિલાઓના ટોળાને સફાઈની ખાતરી આપીને પરત મોકલી દેવાય છે તેવુ આજે બન્યું હતું. મહિલાઓનો રોષ પારખીને સફાઈની ખાતરી આપી હતી પરંતુ હવે સફાઈ ક્યારે કરાય છે તેની રાહ લત્તાવાસીઓ જોઈ રહ્યા છે.