એક્સલુઝીવ ટોક શો, જાણો કેમ વેપારી-ઉદ્યોગપતિઓ કરે છે જીએસટીનો વિરોધ ?

સિરામિક-ઘડિયાળ ઉદ્યોગથી લઈને નાના વેપારીઓએ એકમંચ પર આપ્યા પ્રતિભાવો

કેન્દ્ર સરકાર દ્વારા વિરોધના વંટોળ વચ્ચે જીએસટી લાગુ કરી દેવામાં આવ્યો છે જેને ૧૦ દીવસથી વધુ સમય વીતી ચુક્યો હોવા છતાં જીએસટી અંગે હજુ સ્પષ્ટતા ના હોવાથી વેપારીઓ, ઉદ્યોગપતિઓ સહિતના સૌ કોઈ પરેશાન છે અને સતત અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે “મોરબી ન્યુઝ” દ્વારા જીએસટી વિશેના ખાસ ટોક શોમાં મોરબીના અગ્રણી ઉદ્યોગ સાથે જોડાયેલા સંગઠનોના હોદેદારો, વેપારી સંગઠનના અગ્રણીઓ સાથે વાતચીત કરી જીએસટી વિષે તેમના મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો.તો જાણો મોરબીના સિરામિક-ઘડિયાળ ઉદ્યોગપતિઓ જીએસટી વિષે શું કહે છે તો સાથે નાના વેપારીઓ પણ જીએસટીથી ખુશ છે કે નાખુશ ?

• સિરામિક ઉદ્યોગ જીએસટીને આવકારે છે.

દેશમાં ૭૦ વર્ષ બાદ એક દેશ એક ટેક્સની નીતિ લાગુ કરીને દેશને દુનિયાની હરોળમાં ઉભી કરવાના સરકારના પ્રયાસોને મોરબીનો સિરામિક ઉદ્યોગ આવકારે છે. અલગ રાજ્યોમાં અલગ ટેક્ષથી ઉદ્યોગપતિઓને વેપાર કરવામાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો તેમાંથી મુકતી મળી જશે તો સી ફોર્મની ઝંઝટ નીકળી જવાથી ઉધોગને વેપાર કરવો સરળ બનશે. સાથોસાથ રો મટીરીયલ્સ મોકલનાર પાર્ટી કે માલ વેચનાર ટ્રેડર્સ ટેક્ષ ભર્યો ના હોય તો ખબર પડી જશે જેથી વેપારીનું પેમેન્ટ ક્યાય ફસાશે નહિ અને ઉદ્યોગ માટે પોઝીટીવ વાતાવરણનું નિર્માણ થશે

નીલેશ જેતપરિયા – પ્રમુખ, મોરબી સિરામિક એશો.

• ઘડિયાળ ઉદ્યોગને રાહતો આપવી જરૂરી

જીએસટીની ખરેખર વેપાર- ઉદ્યોગ રાહ જોઈ રહ્યો હતો. વેપારી ઇચ્છતા હતા કે જીએસટી આવે. જીએસટી લાવનાર સરકારને અભિનંદન પાઠવીને કલોક એશો. પ્રમુખ જણાવે છે કે હાલની પરિસ્થિતિમાં ચીન સાથે હરીફાઈમાં ઉદ્યોગ હાંફી જાય છે. ગુજરાતમાં સૌથી વધુ મહિલાઓને રોજગાર આપતા ઘડિયાળ ઉદ્યોગને નાની રાહતો આપવી જરૂરી છે. નાના રોકાણથી શરુ થતું ઘડિયાલના ઉત્પાદનનું એકમ પ્રદુષણ મુક્ત છે જેથી લઘુ ઉદ્યોગ તરીકે ઘડિયાળ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર ઘડિયાળ ઉદ્યોગને રાહત આપે તે ઇચ્છનીય છે.

શશાંકભાઈ દંગી – પ્રમુખ, મોરબી કલોક એશો.

• જીએસટીનો વિરોધ નથી, પ્રક્રિયા સામે વાંધો

જીએસટીનો માર્કેટિંગ યાર્ડ એજન્ટ કે દલાલો વિરોધ કરતા નથી પરંતુ સીસ્ટમ સામે વાંધો છે. દલાલને ખેડૂતો સાથે વહીવટ કરવાના હોય છે. માર્કેટિંગ યાર્ડમાં માલ આવે તેને અગાઉની કબાલા પધ્ધતિ હતી પરંતુ સરકારે જીએસટીમાં યુઆરડી પદ્ધતિ અમલી બનાવી છે તેની સામે વાંધો છે. યુઆરડીમાં કમીશન શબ્દ નીકળી જાય છે. જીએસટી લાગવાથી રીવર્સ ચાર્જથી અનેક વહીવટી ગુંચવણ ઉભી થાય તેમ છે જેથી ખેડૂતોને ૧ ટકા કમીશન માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તેમજ ખેડૂતોને માલ ઉતરાઈ પર મજુરીમાં ૧૮ ટકા જીએસટી લાગે છે જેનો વિરોધ કરીને અગાઉની જૂની કબાલા પધ્ધતિ ચાલુ રાખવાની માંગ છે.

રજનીકાંતભાઈ બરાસરા – પ્રમુખ, મોરબી માર્કેટિંગ યાર્ડ એજન્ટ એશો.

• ટેક્ષનો વિરોધ નથી, વેપારીઓ અસમંજસમાં છે.

જીએસટી મામલે કાપડના વેપારીઓ પણ સરકાર સામે વિરોધ નોધાવી રહ્યા છે ત્યારે મોરબી કાપડ અગ્રણી જણાવે છે કે કાપડમાં અગાઉ ટેક્ષ નહોતો પરંતુ હવે પાંચ ટકાથી લઈને ૧૮ ટકાના ત્રણ સ્લેબમાં ઉદ્યોગને લેવામાં આવ્યો છે.જેથી વેપારીને નવો માલ મેળવવા પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. વેપારધંધામાં ૨૦ લાખની મર્યાદા ૩૦ લાખ સુધી તેમજ ૭૫ લાખની મર્યાદા ૧ કરોડ સુધી વધારવી જોઈએ તેવી માંગ વેપારીઓ કરી રહ્યા છે તે ઉપરાંત મહીને ત્રણ ફોર્મ ભરવાની ઝંઝટ છે. વેપારીઓને ઇન્સ્પેકટર રાજનો ડર સતાવી રહ્યો છે. તેમજ વહીવટી પ્રક્રિયા સરળ બને તેવું વેપારીઓ ઈચ્છી રહ્યા છે.

જમનભાઈ ગવાલાણી – પ્રમુખ, મોરબી કાપડ એન્ડ રેડીમેઈડ એશો.

• એક્સપોર્ટના નિયંત્રણો હટાવવાની માંગ

એક્સપોર્ટના નિયંત્રણ હટાવી લેવા જોઈએ. એક્સપોર્ટમાં અગાઉ જે પધ્ધતિ હતી તે ચાલુ રાખવી જોઈએ. સિરામિક ઉદ્યોગને ગેસમાં રીફંડ મળતું હતું તે બંધ થયું છે. જીએસટીમાં એવી જોગવાઈ છે જેથી જેથી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી સકે .છ મહિના સુધી માલ સીઝ કરવાની સત્તા અધિકારીઓને આપવાથી ઇન્સ્પેકટર રાજ આવવાની દહેશત વેપારીઓમાં જોવા મળી રહી છે. અધિકારીઓને છૂટો દોર આપવાનો વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. નાના વેપારીને ૭૫ લાખ મર્યાદા છે જેમાં વેપારી આંતર રાજ્ય વેપાર ના કરી સકે તેવી શરતોથી વેપારી પરેશાન છે. જેથી નિયત મર્યાદામાં વેપાર માટે આંતરરાજ્ય જેવી કોઈ મર્યાદા ના હોવી જોઈએ. જીએસટીથી મોંઘવારી વધશે, નાના વેપારીઓ વધુ પરેશાન થશે અને સ્ટોક આપવાની માથાકૂટ વેપારીઓને સહન કરવી પડશે.

બેચરભાઈ હોથી – પ્રમુખ, મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસટ્રીઝ

• વેપાર પર થોડીઘણી અસર વર્તાઈ

કેન્દ્ર સરકાર દ્વારા વિવાદો અને વિરોધ વચ્ચે પણ જીએસટી લાગુ કરવામાં આવ્યું છે જેથી દરેક વેપારીઓને થોડું ઘણું પરેશાન થવું પડે છે. દરેક વેપારધંધામાં વેપારી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મોરબીના સુમીતભાઈ પટેલ કોમ્પ્યુટર સહિતના ઇલેક્ટ્રોનીક્સ સાધનોની લે વેચનો વર્ષોથી વેપાર કરી રહ્યા છે જે જણાવે છે કે અગાઉ ૫ ટકા જેટલો ટેક્ષ લાગતો હતો જે હવે વધીને ૧૮ ટકા પર પહોંચ્યો છે. પ્રિન્ટર જેવા સાધનો મોંઘા બન્યા છે જોકે જરૂરીયાત હોય તેવી ઓફીસ કે વેપારીઓ તો ખરીદી કરે છે પરંતુ મોંઘુ થવાથી માલના વેચાણ પર અસર ચોકકસ જોવા મળે છે તેમજ જીએસટીની વહીવટી પ્રક્રિયા ગુંચવણભરી હોય જે સરળ બનાવવાની માંગ પણ કરી હતી.

સુમીતભાઈ સંઘાણી – વેપારી, મોરબી

Comments
Loading...
WhatsApp chat