



સાતમા પગારપંચની માંગ સાથે નગરપાલિકા કર્મચારીઓ છેલ્લા ધણા સમયથી લડત ચલાવી રહ્યા છે. જેમાં મોરબી નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આગામી ૨૦ જુલાઈથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવા નિર્ણય કર્યો છે અને આવતીકાલે આ મામલે બાટવા ખાતે સૌરાષ્ટ્ર ઝોનની 30 નગર પાલિકાના કર્મચારી આગેવાનોની બેઠક યોજવામાં આવી છે.
રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ મોરબી નગરપાલિકાના નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો અને પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપી દીધો છે પરંતુ નગરપાલિકાના કર્મચારીઓની માંગણી સ્વીકારવાને બદલે ઉલટું નગરપાલિકાના કર્મચારીઓની અગાઉની ત્રણ દિવસ ની હડતાલ બાદ અમારા અવાજને દબાવી દેવા માટે સરકારે નગરપાલિકાની પાણી, ગટર વ્યવસ્થાની સેવાઓ આવશ્યક સેવા હેઠળ લઇ આ સેવા ખોરવાય તો પાલિકાના સત્તાધીશોને પગલાં લેવા માટે ખાસ પરિપત્ર કર્યો છે. જે મામલે નગરપાલિકા કર્મચારીઓએ ૨૦ જુલાઈથી સાતમું પગારપંચ ન મળે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર જવા નક્કી કર્યું છે આ માટે આવતીકાલે બાટવા ખાતે સૌરાષ્ટ્ર ઝોનની 30 નગરપાલિકાના કર્મચારી આગેવાનોની બેઠક મળનાર છે જેમાં અનેક મહત્વની બાબતોને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવશે. નગરપાલિકાની સેવાઓ આવશ્યક સેવા હેઠળ લે કે ન લે પાલિકાના કર્મચારીઓને કદાચ જેલમાં પુરવામાં આવશે તો પણ સાતમા પગારપંચને લઇ અમારી આ લડત ચાલુ જ રહેશે.

