

મોરબી પાલિકામાં વિપક્ષ કોંગ્રેસના ૨૨ સદસ્યોએ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. શાસક પક્ષ દ્વારા વહીવટી કામોમાં નિષ્ફળતા, કમિટીની રચનામાં નિષ્ફળતા સહિતના કારણો આગળ ધરીને અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી છે જેના પગલે નિયમ મુજબ પાલિકાના શાસક પક્ષે સમયમર્યાદામાં સાધારણ સભા બોલાવવાની રહે છે . વિપક્ષ કોંગ્રેસના ૨૨ સદસ્યોની અગ્નિપરીક્ષા શનિવારની ખાસ સાધારણ સભામાં થશે કારણકે કોંગ્રેસના ટેકાથી ઉપપ્રમુખ બનેલા ડો.અનિલભાઈ મહેતા સામે અવિશ્વાસની દરખાસ્ત ટકી શકશે કે કેમ તે મામલે હાલ કશું કહી સકાય તેમ નથી તો પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત પસાર કરવા માટે વિપક્ષે પાલિકાના ૫૨ સદસ્યોમાંથી બે તૃતીયાંશ એટલે કે ૩૫ સભ્યોનું સમર્થન મેળવવું પડશે ત્યારે આગામી શનિવારે અને બુધવારે મળનાર ખાસ સાધારણ સભાને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. શાસક પક્ષ પોતાની શાખ બચાવવા તો વિપક્ષ શાસક પક્ષને ભીડાવવા માટે રણનીતિ બનાવી રહી છે.