

શહેરમાં ઠેર ઠેર ગંદકીથી નારાજગી, પાલિકાએ કર્યો સુત્રોચ્ચાર
મોરબીના ચાર સામાજિક કાર્યકરો દ્વારા આજે શહેરમાં ફેલાઈ રહેલી બેફામ ગંદકીનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં સામાજિક કાર્યકરો શહેરના અનેક વિસ્તારોમાં ફરીને કચરો એકત્ર કર્યો હતો અને પાલિકા કચેરીએ કચરાનો ઢગલો કરીને વિરોધ દર્શાવ્યો હતો
મોરબી શહેરમાં બેફામ ગંદકીના ગંજ ખડકાયા છે અને શહેરમાં ઠેર ઠેર ગંદકીથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે અને છતાં પાલિકાના જવાબદાર અધિકારીઓ તેમજ પદાધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે ત્યારે મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશ બાંભણીયા, જીગ્નેશભાઈ પંડ્યા સહિતનાઓ દ્વારા સપ્તાહ પૂર્વે લેખિત રજૂઆત કરીને સફાઈ અંગે તાકીદ કરી હતી અને છતાં સફાઈ ના થાય તો નગરપાલિકા કચેરીએ કચરો નાખવાની ચીમકી ઉચ્ચારી હતી
તે મુજબ આજે ચાર સામાજિક કાર્યકરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી કચરો એકત્ર કર્યો હતો અને હાથલારીમાં કચરાના બાચકા એકત્ર કરીને પાલિકા કચેરીએ પહોંચ્યા હતા જ્યાં પાલિકા કચેરીની ગેલેરીમાં ચીફ ઓફિસર ચેમ્બર નજીક કચરો ફેંકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને પાલિકા હાય હાયના નારા લગાવ્યા હતા તેમજ પાલિકાને એક મહિનાનું અલ્ટીમેટમ પાઠવ્યું છે અને શહેરમાં તમામ વિસ્તારમાં સફાઈ અભિયાન નહિ ચલાવાય તો એક માસ બાદ નાગરિકોને સાથે રાખીને શહેરભરનો કચરો એકત્ર કરીને પાલિકા કચેરીએ નાખવાની ચીમકી ઉચ્ચારી છે