


મોરબી અને વાંકાનેર નગરપાલિકામાં મહિલા પ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા હવે પ્રમુખપદ માટેની ચુંટણી યોજાનાર છે જેમાં વાંકાનેર નગરપાલિકામાં ભાજપની બહુમતી હોવાથી પ્રમુખની સીટ ભાજપ માટે નક્કી જ છે જોકે મોરબી નગરપાલિકામાં નવાજુની થઇ સકે છે.
મોરબી નગરપાલિકાની ચુંટણી બાદ નિયમ મુજબ મહિલા પ્રમુખની વરણી કરવામાં આવી હતી જોકે સત્તાની ખેંચતાણમાં સ્થિર શાસન જોવા મળ્યું ના હતું અને પ્રથમ કોંગ્રેસ બાદ વિકાસ સમિતિના મહિલા પ્રમુખે ગાદી સાંભળી હતી તો હાલ ભાજપના ગીતાબેન કણઝારીયા પ્રમુખપદ શોભાવી રહ્યા છે જોકે મહિલા પ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતી હોય જેથી રાજ્ય સરકારના આદેશ મુજબ તા. ૨૨ જુન સુધીમાં ચુંટણી યોજવાની હોય જેથી મોરબી જીલ્લાની વાંકાનેર નગરપાલિકામાં તા. ૧૩ ના રોજ જયારે મોરબી નગરપાલિકામાં તા. ૧૪ ના રોજ ચુંટણી યોજાનાર છે.
જેમાં વાંકાનેર નગરપાલિકામાં ભાજપ સ્પષ્ટ બહુમતી ધરાવતું હોવાથી પ્રમુખની ચુંટણી આસાનીથી પાર પડી જશે જયારે મોરબી પાલિકાની વાત કરવામાં આવે તો ભાજપ કે કોંગ્રેસ એકપણ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી નથી અને વિકાસ સમિતિના ટેકાથી શાસન સંભાળતા ભાજપને હવે વિકાસ સમિતિનો ટેકો મળે છે કે પછી કોંગ્રેસના અસંતુષ્ટ એવા વિકાસ સમિતિના સદસ્યો ફરીથી કોંગ્રેસમાં ઘરવાપસી કરે છે તેના પર સઘળો દારોમદાર રહેશે
તે ઉપરાંત કોંગ્રેસના બાગી સદસ્યો સામે પક્ષાંતર ધારા હેઠળ કરેલી કાર્યવાહીમાં સાત સદસ્યો સસ્પેન્ડ થયા છે જેની સુનાવણી પણ પ્રમુખ ચુંટણી પૂર્વે થશે જેથી આ ફેસલો તરફેણમાં આવે છે કે વિરોધમાં તે સમીકરણો પણ અસર કરશે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે.

