મચ્છુનાં ધસમસતા પ્રવાહે હાઈવે,રેલ્વે ટ્રેક તોડી નાખ્યો

શુક્રવારે રાત્રીથી મચ્છુ ૨ ડેમના દરવાજા ખોલવાને પગલે મચ્છુના ધસમસતા પ્રવાહ માળિયા પંથકમાં પહોંચતા માળિયામાં જલ હોનારત જેવી સ્થિતિને પગલે શનિવારે આખો દિવસ તંત્ર દોડતું રહ્યું હતું. ઠેર ઠેર પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા રેક્સ્યું ઓપરેશન ચલાવાયા હતા તો પાણીના ધસમસતા પ્રવાહે રોડ રસ્તા, હાઈવે અને રેલ્વે ટ્રેકને ભારે નુકશાન પહોંચાડ્યું છે. તે ઉપરાંત હજુ પણ માળિયા શહેર અને ગામોમાં પાણી જોવા મળી રહ્યા છે.

મોરબી જીલ્લામાં શનિવારે ડેમમાંથી પાણી છોડવામાં આવતા મચ્છુ નદીના વહેણથી માળિયા પંથક પાણી પાણી થયું હતું જેથી ધસમસતા પાણીના પ્રવાહ માળિયા કચ્છ્ હાઈવે પર પહોંચી જતા હાઈવે પર શનિવારથી વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો તો ધસમસતા પાણીના પ્રવાહે હાઈવેને પણ ડેમેજ કર્યો હતો. અનેક ઠેકાણે હાઈવેમાં મસમોટા ગાબડા જોવા મળી રહ્યા છે. શનિવારે મચ્છુના વહેણ માળિયામાં ઘુસી જતા માળિયામાં સર્વત્ર પાણી પાણી જોવા મળતું હતું. અને શનિવારનો આખો દિવસ માળીયાના લોકોએ પાણી વચ્ચે વિતાવ્યા બાદ રવિવારે બપોર સુધી સ્થિતિ થાળે પડી ના હતી. માળિયાની બજારમાં આજે પણ પાણીના તલાવડા ભરેલા જોવા મળ્યા હતા. માળિયા શહેર તથા ગ્રામ્ય પંથકમાં હજુ પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા હોય રવિવારે ઘરોમાં હજુ પણ પાણી જોવા મળ્યા હતા. હજુ અનેક ઘરોમાં કમર સુધીના પાણી છે જેથી જનજીવન સામાન્ય થતા હજુ સમય લાગે તેમ જણાઈ રહ્યું છે. માળિયાની મામલતદાર કચેરીમાં પણ મચ્છુના વહેંણ ઘુસી ગયા હતા જેને પગલે કચેરીની અંદરનો માલ સામાન ખેદાન મેદાન થયેલો જોવા મળ્યો હતો તો કચેરીની બહાર પણ કીચડ જામતા હાલ પુરતી કચેરીને તાલુકા શાળામાં કાર્યરત કરવામાં આવી છે. મોરબી માળિયા વચ્ચે આવેલા રેલ્વે ટ્રેકના પણ ભારે પાણીના પ્રવાહથી ધોવાણ થયેલું જોવા મળી રહ્યું છે. માળિયાના નવલખી બંદરથી ગૂડ ટ્રેન આખો દિવસ દોડતી રહે છે. કોલસા સહિતના ગૂડ્સની ટ્રેન નવલખી બંદરેથી દેશના વિવિધ રાજ્યોમાં માલ પહોંચાડે છે જોકે રેલ્વે ટ્રેક ધોવાઈ જતા ટ્રેન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે જે પુનઃ શરુ કરવા રેલ્વે તંત્ર દોડધામ કરી રહ્યું છે.

 

 

 

 

Comments
Loading...
WhatsApp chat