


મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ભારે તબાહી મચી છે, જેમાં કુદરતી ઉપરાંત માનવસર્જિત પરિબળો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. આ બાબતે મોરબી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ કિશોર ચીખલીયાએ મુખ્ય સચિવને રજૂઆત કરી છે. ભારે વરસાદને કારણે પાણી છોડવામાં આવતા નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ઘુસી ગયા હતા. સૌથી વધારે ખરાબ હાલત માળીયા(મી) વિસ્તારમાં થઈ છે. મચ્છુ હોનારતમાં પણ જ્યાં પાણી પહોંચ્યું ન હોય તેવા વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયું હતું. જેથી લોકોનું સ્થળાન્તર કરવું પડ્યું, ઘરવખરી તણાઈ ગઈ, મકાનોને નુકશાન પહોંચ્યું અને કરોડોનું નુકશાન વેઠવું પડ્યુ. આવી આફતમાં માત્ર કુદરતનો દોષ નથી કુત્રિમ પરિબળ પણ જવાબદાર છે. છેલ્લા પાંચ વર્ષથી માળીયા(મી) હરીપર ગામના લોકો મોરબી કલેકટર અને રાજકોટ કલેક્ટરને મોટી મીઠા કંપનીની ફરિયાદ કરે છે. મીઠા કંપનીએ 15થી 20 ફુટ ઊંચા પાળા બનાવવાને કારણે મચ્છુ ડેમનું સીધું પાણી દરિયામાં જતું અટકી ગયું હતું. સરકારી તંત્રએ આવી અરજીને ગંભીરતાથી લેવાને બદલે ધનવાન પાર્ટીના હિતમાં અવગણી હોવાનો આક્ષેપ જાણવા મળ્યો છે. સરકારી તંત્રની ઉદાસીનતા બાબતે તપાસ કરાવી અધિકારી સામે પગલાં લેવા માંગ કરી છે.