મોરબીના લૂટ વિથ મર્ડરનો ત્રીજો આરોપી બેંગ્લોરથી ઝડપાયો

આરોપીએ દેશના પાંચ રાજ્યમાં ચોરી કર્યાની આપી કબુલાત

મોરબીના શનાળા રોડ પર આવેલી નારાયણી રેસીડન્સીમાં રહેતા સુરેશભાઈ મુળજીભાઈ પૂજારા(ઉ.વ.૬૦) નો મૃતદેહ તેના જ ફલેટમાંથી મળી આવ્યા બાદ આ મામલે મૃતકના પુત્ર નીલેશભાઈ પૂજારાએ તા. ૨૩-૦૯-૧૬ મના રોજ હત્યાનો ગુન્હો નોંધાવ્યો હતો  જેમાં એલસીબી ટીમે હત્યા અને લૂટના માસ્ટર માઈન્ડ ચંદ્રબહાદુર મોતીરામ બીસ્ટ અને તેના સાળા મહેન્દ્ર બીર કિસે રાવલ રહે. બંને નેપાળ વાળાને તા. ૫-૧૦-૧૬ ના રોજ દબોચી લઈને લૂટ થયેલા ૬૦,૦૦૦ રોકડા અને ૩ મોબાઈલ પૈકીના ૩૬,૦૦૦ ની રોકડ રકમ રીકવર કરવામાં આવી હતી તેમજ .આરોપીના અન્ય સાળા રમેશ રાવલ અને સુરેશ ભંડારી એ બંને આરોપી પણ લૂટ અને હત્યાના ગુન્હામાં સંડોવાયેલા હોવાથી તેને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં આરોપી બેંગ્લોરમાં હોવાની બાતમીને આધારે એલસીબીની બે ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રમેશ રાઓલ જાતે બ્રાહ્મણ રહે. મૂળ નેપાળવાળાને દબોચીને મોરબી લાવવામાં આવ્યો હતો જ્યાં તેની આગવી ઢબે પૂછપરછ કરતા લૂટ વિથ મર્ડરના ગુન્હાની કબુલાત આપી હતી તેમજ અન્ય રાજ્યોમાં ચોરીની પણ કબુલાત આપી હતી. તો નેપાળી શખ્શે માત્ર ૧૦ હજાર રૂપિયા માટે લોહાણા વેપારીના ઘરે લૂટ ચલાવી તેની હત્યા નીપજાવી હોવાની કબુલાત આપતા ચકચાર મચી જવા પામી છે.

અનેક રાજ્યોમાં ચોરી

એલસીબીના હાથે ઝડપાયેલા આરોપીએ ગુજરાત ઉપરાંત દેશના પાંચ રાજ્યોમાં કરેલી ચોરીની પણ કબુલાત આપી હતી. જેમાં બે વર્ષ પૂર્વે મુંબઈ નાલાસુપારામાં ફ્લેટમાંથી ૧,૫૦,૦૦૦ ની ચોરી, બે વર્ષ પૂર્વે કલ્યાણ મુંબઈમાં ઓફીસમાં રાખેલા ૪૫,૦૦૦ રોકડની ચોરી, એક વર્ષ પૂર્વે દિલ્હી ગાજિયાબાદમાં બંગલામાંથી ૫ લાખની ચોરી, રાજસ્થાનના મંડીનગરના બંગલામાંથી ૧,૫૦,૦૦૦ અને પાંચ તોલા સોનાના દાગીનાની ચોરી, પંજાબના લુધિયાણામાં બંગલામાંથી ૨.૫૦ લાખની ચોરી, અઢી વર્ષ પૂર્વે ભાવનગરની ઓફિસની તિજોરી તોડવાનો પ્રયાસ પરંતુ કઈ મળ્યું નહિ હોવાનું જણાવ્યું હતું. તે ઉપરાંત આરોપીએ બેંગ્લોર, અમદાવાદ અને ભુજની ચોરીનો પણ ખુલાસો કર્યો છે જોકે તે ચોરીમાં પોતે સંડોવાયેલો નહિ હોવાની કેફિયત આપી હતી. આરોપી પાંચ રાજ્યોમાં ચોરી ઉપરાંત મોરબીના લૂટ વિથ મર્ડરમાં સામેલ હતો. આમ મોરબી એલસીબી ટીમને મોટી સફળતા મળી છે. લૂટ વિથ મર્ડરનો ભેદ ઉકેલવાની સાથે મોરબી એલસીબી ટીમે આંતર રાજ્ય ચોરીનો પણ પર્દાફાશ કર્યો છે.

 

Comments
Loading...
WhatsApp chat