

મોરબી શહેરમાં ઠેર ઠેર ગંદકી ઉપરાંત વરસાદી પાણી અને ઉભરાતી ગટરના પાણીના ભરાવાના પ્રશ્નથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે જોકે નીમ્ભર પાલિકા તંત્રના પેટનું પાણી સુધ્ધા હલતું નથી. વિવિધ વિસ્તારના ટોળા સમયાન્તરે પાલિકા કચેરીએ હલ્લાબોલ કરી રહ્યા છે જેમાં લાતીપ્લોટમાં ભૂગર્ભના ગંદા પાણી થી ત્રાસી ગયેલા વેપારીઓએ પાલિકામાં રજૂઆત કરી હતી.
મોરબીના ઓદ્યોગિક વિસ્તાર એવા લાતીપ્લોટ પ્રત્યે તંત્રે વર્ષોથી ઓરમાયું વર્તન દાખવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. નાના મોટા હજારો ઘડિયાળના એકમો હજારો લોકોને રોજગારી ઉપરાંત ધંધા વેપારને પણ પ્રોત્સાહન આપે છે જોકે ઘડિયાળ ઉદ્યોગના વિસ્તાર લાતીપ્લોટમાં વર્ષો બાદ હવે અમુક વિસ્તારમાં રોડના કામો શરુ થયા છે જોકે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ના હોય તેમજ ઉભરાતી ભૂગર્ભ ગટરની સફાઈ કરવા કોઈ આવતું ના હોવાથી વેપારીઓ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે કલોક એશોના પ્રમુખ શશાંકભાઈ દંગીને સાથે રાખીને વેપારીઓ પાલિકા કચેરીએ દોડી ગયા હતા જ્યાં તેને ઉભરાતી ગટરના પ્રશ્ન અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી તો પાલિકાના ચીફ ઓફિસરે હમેશની જેમ ત્રણ દિવસમાં પ્રશ્ન ઉકેલાઈ જશે તેવી ખાતરી આપી હતી જોકે ખાતરી આપીને તે નિભાવવામાં આવી હોય તેવા કિસ્સા ખુબ જ ઓછા છે જેથી લાતીપ્લોટના વેપારીનો પ્રશ્ન ખરેખર ઉકેલાઈ જાય છે કે નહિ તે તો આવનારો સમય જ બતાવશે.