

મોરબીના રવાપર રોડ પર એક યુવાન પર છરીનો ઘા ઝીંકી દઈને તેને ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હોય જે યુવાનને સારવાર મળે તે પૂર્વે જ તેને દમ તોડ્યો હતો અને બનાવ હત્યામાં પલટાયો છે જે મામલે એ ડીવીઝન પોલીસે માતાની ફરિયાદને આધારે સગીર આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારના રહેવાસી રાહુલ અશ્વિનભાઈ ભોજક (ઉ.વ.૨૦) નામનો યુવાન પોતાના ઘરેથી નાસ્તો કરવા બહાર નીકળ્યો હતો અને પોતાના ઘર નજીકની શેરીમાં બાઈક પર બેઠો હોય ત્યારે એક શખ્શે આવી તેને છરીનો ઘા ઝીંકી દેતા તેને લોહી વહેવા લાગ્યું હતું અને બાદમાં પરિવારને જાણ થતા તુરંત રાજકોટ હોસ્પિટલ ખસેડવા તજવીજ આદરી હતી જોકે રાજકોટ પહોંચી સારવાર અપાય તે પૂર્વે યુવાનનું મોત થયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનની માતા ભારતીબેન આશ્વીનભાઈ ભોજકે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે જેમાં કાલિકા પ્લોટ વિસ્તારનો જ રહેવાસી ૧૭ વર્ષના સગીર આરોપીએ છરીનો ઘા ઝીંકી હત્યા નીપજાવી હોવાનું જણાવ્યું છે
મૃતક યુવાનને આરોપીની પિતરાઈ બહેન સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતે અગાઉ પણ ઝઘડો થયો હતો તો ગત રાત્રીના સમયે યુવાન બેઠો હોય જ્યાં આવીને આરોપીએ છરીનો ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી એ ડીવીઝન પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ પીઆઈ આર જે ચૌધરી ચલાવી રહ્યા છે તેમજ સગીર વયનો આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું પોલીસના આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે મૃતક યુવાન પરિવારમાં ત્રણ ભાઈઓમાં સૌથી મોટો હતો જે સિરામિકમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો



