

સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. જયેશ સનારીયાએ સૂચવ્યા ઉપાયો
ગુજરાતમાં હાલ ગરમીનો પારો ૪૩ સે. થી ઉપર છે અને અમુક સ્થાનોએ ગરમીનો પારો એનાથી પણ વધી ગયો છે આવી કાળઝાળ ગરમીથી સૌ કોઈ પરેશાન છે ત્યારે મોરબીન્યુઝ ટીમેં લોકોને ગરમીથી બચવાના ઉપાયો માટે સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. જયેશ સનારીયા પાસેથી મેળવ્યા છે અનમોલ ઉપાયો અને અભિપ્રાયો..
શરીરનું કોઈપણ અંગ ગમે તેટલું મજબુત હોવા છતાં તેની રક્ષણાત્મક શક્તિની મર્યાદા હોય છે ચામડીનું પણ આવું જ છે તાપમાનનો પારો ૪૦ ડીગ્રીથી નીચે હોય ત્યાં સુધી ચામડી સંરક્ષક તરીકે ભૂમિકા ભજવી સકે છે પરંતુ તાપમાન જયારે ઊંચું જાય ત્યારે ચામડી લાચાર બની જાય છે તેમ મોરબીના જાણીતા સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. જયેશ સનારીયા જણાવે છે
ડો. જયેશ સનારીયાએ ગરમીથી બચવાના આપ્યા છે ઉપાયો…
(૧) હિટ સ્ટ્રોક (લુ લાગવી)
સામાન્ય રીતે વાતાવરણમાં ગરમીનો પારો ૪૦ સે. થી ઉપર જાય ત્યારે લોકોને લુ લાગતી હોય છે
લુ લાગવાના લક્ષણો
૧. ખુબ તરસ લાગવી, શરીરનું તાપમાન વધી જવું, માથું દુખવું, ઉલટી થવી-ઉબકા આવવા, ચક્કર આવવા-આંખે અંધારા આવવા, બેભાન થઇ જવું, ગંભીર કિસ્સામાં ખેંચ આવવી.
સાવચેતી અને સારવાર
- ઘરની બહાર નીકળવું નહિ
- શરીર તથા માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા
- ટોપી, છત્રી તથા ચશ્માનો ઉપયોગ કરવો
- ભીના કપડાથી શરીર લૂછવું તથા માટલાનું ઠંડુ પાણી પીવું
- લીંબુ શરબત, કાળી દ્રાક્ષનું સરબત, મોળી છાશ, નાળીયેરનું પાણી, વરીયાળી શરબત અથવા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું
- બજારમાં મળતો ખુલ્લો અને વસી ખોરાક લેવો નહિ, બરફ અને માવાની વાનગી આરોગવી નહિ
- ચા-કોફી અને દારૂના સેવનથી લુ લાગવાની શક્યતા વધે છે
- ઉપવાસ કરવાનું ટાળવું
(૨) તડકાની એલર્જી
કેટલાક લોકોને તડકામાં જવાથી કે અમુક પ્રકારની દવા પીવાથી ચામડી પર તડકાની એલર્જી થાય છે
લક્ષણો
૧. શરીરના ખુલ્લા ભાગમાં ખંજવાળ આવવી ૨. લાલ ફોડકીઓ થવી ૩. ચકામાં અથવા શીળસ નીકળવા
સાવચેતી અને સારવાર
૧. તડકામાં જતા પહેલા આખી બાંયના કપડા અથવા હાથ મોજા પહેરવા
૨. સ્નાનાગારમાં ન્હાવા જતા પહેલા સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો
૩. હેલ્મેટ, ટોપી, સ્કાફ, છત્રી વગેરેનો ઉપયોગ કરવો
૪. ડોક્ટરની સલાહ મુજબ એન્ટીઓક્સીડન્ટ દવાઓ તથા બ્રોડસ્પેક્ટ્રમ સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો
(૩) દાદર
સામાન્ય રીતે આ રોગ પરસેવો વધારે વળતો હોય તે ભાગમાં એટલે કે સાથળના મૂળ, બેઠકની જગ્યાએ, બગલમાં, કમરમાં સ્ત્રીઓમાં સ્તનમાં નીચેના ભાગમાં અને કેટલીક વખત આખા શરીરમાં થાય છે આ રોગ ચેપી છે કપડા દ્વારા, દાઢી કરવાના સાધનો દ્વારા કે ભેજવાળી જમીન દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં આવી સકે છે
લક્ષણો
૧. લાલ રંગના લાક્ષણિક ચકરડા થાય છે તેમજ કિનારી પર જીણી પાણી ભરેલી ફોડલી અને તેના પર ફોતરી પડે છે જે આગળ પ્રસરે છે
૨. ખુબ જ ખંજવાળ આવે છે
સાવચેતી અને સારવાર
- બજાર લોશન કે સ્ટીરોઇડવાળી મિક્સ ક્રીમ વાપરવી નહિ
- ચામડીના ડોક્ટરને બતાવ્યા વગર જાતે મેડીકલ સ્ટોરમાંથી દવા લઈને વાપરવી નહિ
- દર્દીના કપડા, ટુવાલ, સાબુ અલગ રાખવા
- દર્દીના કપડા ગરમ પાણીમાં ઉકાળીને ધોવા
- સાથળના મૂળમાં, બગલમાં તથા સાંધાના ભાગમાં એન્ટીફીન્ગ્લ પાવડર છાંટવો
- ચુસ્ત રેશમી, પોલીસ્ટર કે જીન્સના કપડા પહેરવા નહિ
- અંડરવેર ખુલ્લા અને ચડ્ડી ટાઈપના પહેરવા
- ઘરમાં અન્ય કોઈ વ્યક્તિને દાદર થઇ હોય તો તેની પણ દવા કરાવો
(૪) અળાઈ
ઉનાળામાં શરીરની ચામડી પર વધારે પડતો પરસેવો વળે ત્યારે લાલ રંગની ફોડલી નીકળે છે જેને કારણે સખ્ત ખંજવાળ આવે છે બાળકોમાં ઘણી વખત ચામડી પર પાણી ભરેલી ફોડલી જોવા મળે છે ક્યારેક ફોડલીઓ પાકી પણ જતી હોય છે
સાવચેતી અને સારવાર
- તડકામાં બહાર નીકળવું નહિ
- કપડા ખુલ્લા અને સુતરાઉ પહેરવા
- પાણી વધારે પીવું
- લીંબુનું શરબત પીવું
- દિવસમાં બે-ત્રણ વખત સાબુથી ન્હાવું
- ડોક્ટરની સલાહ મુજબ કેલેમૈન દવા લગાવવી પાવડર પણ લગાવી સકાય
(૫) ગુમડા (ફટકીયા)
મોટાભાગે આ રોગ બાળકોમાં જોવા મળે છે ચામડી પર પાણી ભરેલી ફોડકી ઉપસે છે આ ફોડકી ફૂટે ત્યારે તેનું પાણી બીજા કોઈને અડે તો તેને પણ ચેપ લાગે છે આ ફટકીયા બેકટેરીયાથી થાય છે તેનો ચેપ ઘરમાં અને શાળામાં બાળકોને લાગે છે
સાવચેતી અને સારવાર
- સ્વસ્થતા જાળવવી તથા નાખ કાપેલા રાખવા
- બાળકો ધૂળમાં ના રમે તેનું ધ્યાન રાખવું, નાકમાં આંગળા નાખવા દેવા નહિ
- શક્ય હોય ત ય સુધી તડકામાં જવું નહિ
- ડોક્ટરની સલાહ મુજબ એન્ટીબાયોટીક ક્રીમ તથા દવા લેવી
અંગ્રેજીમાં એક કહેવત છે કે “PREVENTION IS BETTER THAN CURE” અને ગુજરાતમાં આ પ્રમાણે “પાણી આવ્યા પહેલા પાળ બાંધી લેવી જોઈએ” અર્થાત ચામડીના આવા ઘણા રોગો છે કે સમયસર પગલા લઈએ તો તેને અટકાવી સકાય તેમ છે
નોંધ : મોરબીન્યુઝના વાચકો માટે સમય ફાળવીને કાળઝાળ ગરમીમાં ચામડીના રોગોથી બચવાના સોનેરી ઉપાય સૂચવનાર ડો. જયેશ સનારીયાનો મોરબીન્યુઝ ટીમ તમામ વાચકો વતી આભાર પ્રગટ કરે છે