મેઘતાંડવથી મોરબીવાસીઓને મચ્છુ હોનારત યાદ તાજી થઇ

મોરબી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદને કારણે મચ્છુ-2 ડેમના દરવાજા ખોલવામાં આવતા માળિયામિયાણા અને વાંકાનેર પંથકમાં પાણી ઘૂસી ગયા છે. તેમજ અનેક ગામો પાણીમાં ડૂબેલા છે. આવા દ્રશ્યો જોઇ મોરબીવાસીઓને મચ્છુ હોનારતની યાદ તાજી થઇ છે. સતત વરસાદ અને ઉપરવાસના પાણીને લઇ મચ્છુ ડેમની જળ હોનારતમાં અસંખ્ય માનવ જિંદગી અને પશુઓના મોત થયા હતા. તે સમયની કુદરતની ક્રૂરતાની તસવીરો જોઇ આજે પણ લોકોની આંખોમાંથી આંસુ આવી જાય છે.

11 ઓગસ્ટ 1979ના દિવસે બપોરના 3.15 વાગે મચ્છુ-2 ડેમ તૂટ્યો હતો

11 ઓગસ્ટ, 1979નો એ દિવસ. બપોરનો 3.15 કલાકનો સમય અને સમાચાર વહેતા થયા કે ત્રણ ત્રણ દિવસથી વરસતો વરસાદ અને ઉપરવાસથી થતી પાણીની જંગી આવકથી મચ્છુ-2 ડેમ તૂટ્યો અને લોકો જીવ બચાવવા કંઇ વિચારે કે પગલાં ભરે એની તક પણ પાણીએ ન આપી. ધસમસતા આવતા મચ્છુના નીરે મોરબીને ઘેરી લીધું અને શરૂ થઇ સંહાર લીલાની શરૂઆત. દર વર્ષે મોરબી આ મોતના તાંડવને યાદ કરે છે. પૂરના પાણી ઓસરી ગયા છે. પરંતુ હૃદયમાં કોતરાયેલા ઘાવ નથી રૂઝાયા. મોરબી ફરી બેઠું થઇ ગયું અને વિકાસની કેડીએ દોડતું પણ થઇ ગયું. પરંતુ કાળની થપાટે જેમના પરિવારજનો કે સર્વસ્વ છીનવ્યું છે તેમની પીડાને કલાકો, દિવસો કે વરસો મલમ નથી લગાવી શક્યા.

કાળની એક જ થપાટે આશિયાના સ્મશાન સમા બની ગયા

કાળની એક જ થપાટે આશિયાના સ્મશાન સમા બની ગયા. કોણે શું ગુમાવ્યું એનો હિસાબ તો શક્ય જ ન હતો. બસ વધી હતી લાચારી, બેબસી અને અસહાયતા. ત્રણ જ કલાકમાં આ ખેલ પૂરો થઇ ગયો અને તેની ભૂતાવળ સમી યાદગીરી કાયમી બની ગઇ. આજે એ ઘટનાને સાડા ત્રણ દસકા વીતી ગયા તેમ છતાં પોતાના સ્વજનોને ખોઇ બેસનારા લોકોની આંખો આજે પણ એ ઘટનાની યાદમાં સજળ બની જાય છે.

 

 

 

Comments
Loading...
WhatsApp chat