Billboard ad 1150*250 Billboard ad 1150*250

મચ્છુ જળ હોનારતની આજે ૩૮ મી વરસી : કુદરતના કહેરની કથા

અનેક પરિવારો આજે આપ્તજનોની યાદમાં હિબકે ચડી જાય છે

૩૮ વર્ષ વીતી ગયા છે ગોઝારા જળ હોનારતને જયારે મચ્છુ ૨ ડેમ તુટ્યો અને જળ એ જીવન વ્યાખ્યાને બદલાવી નાખીને જળ જ મોટી હોનારત લાવ્યું હતું એવી હોનારત કે જેને ૩૭ વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં મોરબીવાસીઓ આજે પણ ભૂલી શક્યા નથી. ૩૮ વર્ષ પહેલાની તારીખ ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ જયારે મુશળધાર વરસાદ વરસતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ બંધ પાણીના સખત પ્રવાહને ઝીરવી શક્યો ના હતો અને બંધની દીવાલ તૂટી પડતા સર્જાયો હતો એવો વિનાશ જે માનવ ઇતિહાસે અગાઉ ક્યારેય જોયો ના હતો કે આવા હોનારતની કોઈએ કલ્પના પણ કરી ના હતી. ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ નો એ દિવસ અને સમય હતો બપોરે ૩ : ૧૫ નો જયારે મોરબીમાં એ સમાચાર વહેતા થયા હતા કે ત્રણ ત્રણ દિવસથી લાગલગાટ વરસી રહેલા વરસાદ અને ઉપરવાસની પાણીની સતત થઈ રહેલી આવકને કારણે મચ્છુ ૨ ડેમ તુટ્યો છે તો લોકો જીવ બચાવવા નાસી છૂટે તે પહેલા જ બપોરે ૦૩ : ૩૦ કલાકની આસપાસ તો પુરના પાણી મોરબીમાં ધસમસતા આવી ચડ્યા હતા અને મોરબીને વેરવિખેર કરી નાખ્યું હતું.

 

  • શું બન્યું હતું તા. ૧૧-૦૮-૧૯૭૯ ની એ બપોરે

એ ગોઝારા દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી જે દિવસે તા. ૧૧-૦૮-૧૯૭૯ નો એ દિવસ જેમાં સતત ત્રણ દિવસથી ધોધમાર વરસી રહેલા વરસાદથી પાણીની આવક સતત વધી રહી હતી તો ઉપરવાસથી સતત થઈ રહેલી પાણીની આવકને મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ સમાવી શક્યો ના હતો અને આખરે બપોરે ડેમ તુટ્યો અને જોતજોતામાં ૦૩ : ૩૦ વાગ્યે તો મયુરનગરી તરીકે ઓળખાતા મોરબી શહેરમાં મોતનું તાંડવ શરુ થઇ ચુક્યું હતું. અને માત્ર બે કલાકના ગાળામાં તો મોરબીને વેરવિખેર કરીને પાણીનો ધસમસતો પ્રવાહ ક્યાય દુર નીકળી ગયો હતો. શહેરમાં વધી રહેલા પાણીના પ્રવાહને જોઇને ગભરાય ગયેલા મોરબીવાસીઓ આમથી તેમ જીવ બચાવવા દોડ લગાવી હતી પરંતુ જીવ બચાવવા ક્યાં જવું કારણકે નીચે પાણી પાણી હતા તો જે લોકો ઈમારત અને મકાનો પર ચડીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો તે ઈમારતો પણ પાણીના પ્રવાહનો સામનો કરી ના સકતા જમીનદોસ્ત બની ગઈ હતી. હજારો માનવ જિંદગીઓ કાઈ પણ સમજે તે પહેલા તો પાણી તેના સ્વજનોને , મિલકતોને ક્યાય તાણીગયું હતું અને કુદરત સામે લાચાર કાળા માથાનો માનવી નિસહાય બનીને કુદરતના ખેલ જોઈ રહ્યો હતો. ગલીહોય કે મહોલ્લા, બજાર હોય કે મકાનની છતો દરેક સ્થળ સ્મશાન બની ગયું હતું. ઠેર ઠેર પૂરમાં હોમાઈ ગયેલી માનવ શબો પડ્યા હતા તો સૌથી મોટી ખુવારી અબોલ પશુઓની થઈ હતી. હજારોની સંખ્યામાં અબોલ જીવો આ પૂરમાં તણાયા હતા જેમના મૃતદેહો કેટલાયે દિવસો સુધી શહેરની મુખ્ય ગલીઓ અને બજારોમાં પડ્યા રહ્યા હતા.

 

  • મોરબીમાં આજે  મોન રેલી

કુદરતની એ કારમી થપાટ સહન કરી ચુકેલા મોરબી શહેરમાં જળ હોનારતની દરેક વરસી નિમિતે મોન રેલી યોજીને દિવંગતોને શ્રદ્ધા સુમન અર્પણ કરવાની ૩૮ વર્ષોથી ચાલી રહી છે. હોનારતના દિવંગતોની યાદમાં શહેરના મણી મંદિરના ચોગાનમાં સ્મૃતિ સ્થાન બનાવવામાં આવ્યું છે. દર વર્ષે મોરબી પાલિકા દ્વારા બપોરે ૩ : ૧૫ કલાકે ૨૧ સાયરન વગાડીને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે અને મોન રેલી પાલિકાથી દિવંગતોના સ્મૃતિ સ્મારક સુધી પહોંચે છે જ્યાં પ્રાર્થના કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.

→ મચ્છુ જળ હોનારતમાં પોતાના સ્વજનો ગુમાવનાર સાથેની વાતચીત

  • કમલભાઈ દેસાઈ : પાલિકા પ્રમુખ રતિલાલભાઈ દેસાઈના પુત્ર જેને પોતાના ભાઈને હોનારતમાં ગુમાવ્યા હતા

અબોલ પશુઓની સેવા માટે ગયેલા મોટાભાઈ પરત ના ફર્યા , પિતાએ પોતાની ફરજને વ્હાલી ગણી

૩૮ વર્ષ પૂર્વે મોરબીને વેરવિખેર કરી દેનારા એ જળહોનારતમાં પોતાના મોટાભાઈને ગુમાવી દેનાર કમલભાઈ દેસાઈનીઆંખોઆજે પણ એ દિવસને યાદ કરતા ભીંજાય જાય છે. મોરબીનાકાલિકા પ્લોટમાં પિતા તરફથી વારસામાં મળેલા પેઈન્ટ્સના કારખાનાના સંચાલક કમલભાઈ દેસાઈ ભીની આંખો સાથે જણાવે છે કે ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે તેના મોટાભાઈ સંજય ૧૫ વર્ષના હતા અને તેઓ માત્ર ચાર વર્ષની ઉમરના હતા. ભારે વરસાદને પગલે તેના મોટાભાઈને કારખાનાનો માણસ ઘરે મુકવા આવ્યો હતો પરંતુ પિતાની જેમ પરોપકારમાં માનનારા મોટાભાઈ સંજય વરસાદને કારણે પશુઓને ખોરાક મળતો ના હતો ત્યારે અન્ય મિત્રોની ટોળકી સાથે તેઓ પણ અબોલ જીવો માટે રોટલા એકત્ર કરવા ગયા હતા અને ૧૧ ઓગસ્ટની બપોરે મોરબીમાં પાણી ફરી વળ્યા ત્યારથી તેમના મોટાભાઈ લાપતા છે. મોરબીની દાણાપીઠ નજીક એક હોમગાર્ડના માણસે તેને છેલ્લી વખત જોયો હતો પરંતુ એ હોનારતને આજે ૩૮ વર્ષ વીત્યા છતાં તેના ભાઈ તેમને મળ્યા નથી તો તેનો મૃતદેહ પણ હાથ લાગ્યો નથી. પિતા રતિલાલભાઈ દેસાઈ પાલિકામાં પ્રમુખ હતા જેને પોતાના લાપતા પુત્રને શોધવામાં સમય વ્યર્થ કર્યો ના હતો. પુત્ર પ્રેમ તેનામાં પણ અપાર હતો પરંતુ પોતાની ફરજને વ્હાલી ગણીને તેઓ મોરબીના લોકોની ચિંતા કરી રહ્યા હતા અને પાલિકાના પ્રમુખ તરીકે તેનેસતત મથામણ કરી હતી. પુત્ર ગુમાવ્યાના દુઃખને બાજુ પર મુકીને તેમને પોતાના કર્તવ્યનું વહન કર્યું હતું.

 

  • એડવોકેટ કમલેશ દફતરી : જેના કાકા કિશોરભાઈ દફતરી હોનારતમાં હોમાયા હતા

પરોપકારી કાકાએ અન્યના જીવો બચાવ્યા, પોતે તણાય ગયા

મોરબી શહેર પાણી પાણી થઈ ગયું હતું. જ્યાં જુઓ ત્યાં પાણી સિવાય બીજું કઈ જ નહિ. આવા પાણીમાં તણાતા લોકોને બચાવવા માટે કાકા કિશોરભાઈ દફતરી શહેરમાં ઘૂમી રહ્યા હતા. જેઓ ડૂબી રહ્યા હતા તેને બચાવવા ગયેલા મારા કાકા પોતે ડૂબી ગયા આ આંખો ભીન્જાવનારા શબ્દો છે મોરબીના એડવોકેટ કમલેશ દફતરીના. મોરબીના એડવોકેટ કમલેશ દફતરી જણાવે છે કે એ વખતે તેમની ઉમર ૧૬ વર્ષની હતી અને કાકા કિશોરભાઈ ૩૭ વર્ષના હતા. કાકા અને પિતા બંને ઓફિસમાં હતા પરંતુ ભારે વરસાદની ગંભીરતા પારખીને તેઓ ઓફિસેથી ઘરે આવવા નીકળ્યા હતા. પરંતુ રસ્તામાં તેમને ભાજપના કાર્યકર ગુલામભાઈ મળી ગયા હતા જેને કાકાને જણાવ્યું હતું કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા અનેક લોકો ફસાયા હોવાનું જણાવ્યું હતું જેથી કાકા કિશોરભાઈ તેની સાથે લોકોને બચાવવા નીકળી  ગયા હતા. સાંજ સુધી ઘરે પરત ન ફરતા તેની તપાસ આદરી હતી ત્યારે માલૂમ પડ્યું કે સાંજે ચાર વાગ્યે શનાળા રોડ પર આજે જ્યાં મહેશ હોટલ આવેલી છે તેની નજીક તેની જીપમાં પાણી ભરાઈ જતા જીપ બંધ પડી હતી અને બંને નજીકના છતવાળા મકાનમાં આશરો લીધો હતો છતાં પૂરનાં પાણી ઘરોમાં ઘુસી જતા તે ગૂંગળાઈને મૃત્યુ પામ્યા હતા. કાકાએ તેને મિત્ર ગુલામભાઈ સાથે ગાઢ મિત્રતા હતી. પ્રચાર કાર્યમાં પણ સાથે રહેતા બંને મિત્રોએ દુનિયાને પણ સાથે જ અલવિદા કહી હતી. આજે પણ એ ગોઝારો દિવસ ભૂલતો નથી. કાકી અને તેના સંતાનો જામનગર રક્ષાબંધન કરવા ગયા હતા. આજે પણ એ ભયાનક દિવસની યાદ આવે ત્યારે રુવાડા ખડા થઈ જાય છે અને પરોપકારી કાકાની એ વિદાય આજે પણ વિસરાતી નથી તેમ એડવોકેટે જણાવ્યું હતું.

 

Comments
Loading...
WhatsApp chat