મોરબી : ગૃહમંત્રીનો વધતી ગુનાખોરી ડામવા લુલો બચાવ, આંકડાકીય માહિતી દર્શાવી કહ્યું : ક્રાઇમ રેટ ઘટ્યો છે.

 

 

આજે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં પ્રથમ તેમણે જીલ્લાના સાંસદ, ધારસભ્યો અને વેપારીઓ તેમજ પોલીસ વિભાગ સાથે બેઠક કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગેની બેઠક કરી હતી.

 

જે બાદ તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કાયદાની કથળતી પરિસ્થિતિનો બચાવ કર્યો હતો અને સબ સલામતના પોકળ દાવા કર્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે, “મોરબી જિલ્લામાં હત્યાની કોશિષ ૧૮%, લૂંટ ૨૦%, ધાડ ૬૮%, હુલ્લડ ૬૭% અને ઇજા ૪૮%ના ગુનાઓમાં ઘટાડો આવ્યો છે. જેને પગલે ક્રાઇમ રેટ ઘટ્યો છે” પરંતુ સત્ય તેનાથી વેગળું અને તદ્દન વિપરીત છે. હજુ ગઈકાલે જ હળવદમાં એક મકાનમાં તસ્કરો ચોરી કરી હતી અને છેલ્લા એક મહિનાથી સમગ્ર મોરબી જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત છે છતાં પણ આજ સુધી તેને પકડવા પોલીસ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

 

આ ઉપરાંત એવું પણ સામે આવી રહ્યું છે કે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં પણ ઢીલ દાખવવામાં આવે છે.આ અંગે હર્ષ સંઘવીએ તો લુલો બચાવ કરતાં જણાવ્યું હતું કે, “એવું બની શકે કે ફરિયાદ મોડી દાખલ થાય પરંતુ પોલીસ તેની કામગીરી યોગ્ય રીતે કરી રહી છે.”

 

આ ઉપરાંત મોરબી જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા હર્ષ સંઘવીને એવી રજૂઆત પણ કરવામાં આવી હતી કે જિલ્લામાં ગેંગવોરનું પ્રમાણ વધી રહ્યું છે આવા લુખ્ખા તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે. એ અંગે હર્ષ સંઘવીએ એવી ખાતરી પણ આપી હતી કે, “આવા કિસ્સાઓમાં વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને ગેંગવોરને ડામવા માટે પોલીસ સચોટ દિશામાં પગલાં લેશે, ગેંગ વોર પર અંકુશ લાવવામાં આવશે કોઈને છોડવામાં નહિ આવે”

 

ગાંધીનગરના ભાટ ચેક પોસ્ટ પરથી એટીએસની ટીમે ડ્રગ્સ પકડ્યું હતું. આ મુદ્દે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, છેલ્લા ઘણાં સમયથી પોલીસ અને સરકાર ડ્રગ્સના દુષણને ડામવા માટે તમામ કામગીરી કરી રહી છે. અને તેનું વેચાણ કરતો ઈસમો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.

 

આ ઉપરાંત તેમણે સિરામિક ઉધોગકારો સાથે પણ બેઠક યોજી હતી. એ મુદ્દે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સમગ્ર મોરબી જિલ્લામાં દરેક કારખાના અને ફેકટરીમાં કામ કરતાં પ્રત્યેક શ્રમિકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે અને એ માટે એક એપ્લિકેશન તૈયાર થશે જે એપ્લિકેશનની અંદર દરેક કર્મચારી અને દરેક શ્રમિકોની સંપૂર્ણ વિગત હશે. તેથી કોઈપણ બનાવ બને તો આ એપ્લિકેશનના માધ્યમથી તે વ્યક્તિ તે કર્મચારીની સંપૂર્ણ માહિતી એક જ જગ્યાએથી મળી શકશે.

 

નોંધનીય છે કે, શાંત અને સલામત જિલ્લાની ઈમેજ ધરાવતા મોરબીમાં દિન-પ્રતિદિન ગુનાખોરીમાં વધારો થતો જાય છે, છેલ્લા 1 માસમાં અનેક મોરબીવાસીઓના ઘરના તાળા તૂટ્યા છે, પણ હજુ સુધી રહેણાંક મકાનમાં થતી તસ્કરીનો પોલીસ ભેદ ઉકેલી શકી નથી. ત્યારે સરકારના સલામત મોરબીના દાવા પોકળ ગયા છે અને મોરબી ગુનાખોરીનું મોડલ બની રહ્યાનું જણાય છે.

 

આજની બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોરબી જિલ્લા પોલીસના અધિકારીઓ સાથે બેઠક કરીને મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા ચોરી અને લૂંટના બનાવોને અંકુશમાં લેવામાં આવેલ પગલાંની સમીક્ષા કરી હતી પણ અહીં સવાલ એ થાય કે સમીક્ષા કઈ વાતની કરી ? કારણ કે આજ સુધી ચોરી અને લૂંટના આરોપીઓ ઝડપાયા નથી. તે બેફામ અને બેલગામ બનીને ફરી રહ્યા છે. જાણે તેને પોલીસનો કોઈ ડર જ ન હોય.. અહીં મોરબીવાસીઓના લોકમુખે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે પોલીસકર્મીઓ ગોકળગતી ગુનાની તપાસ કરવામાં વ્યસ્ત છે એટલે જ મોરબીમાં ગુંડાઓ, મવાલીઓ, લુખ્ખાઓ, ટપોરીઓ, બે-નંબરીયાઓ, તોડબાજો, વ્યાજખોરો ખુલ્લેઆમ ગુનાખોરી આચરવામાં મસ્ત છે. હવે જોવાનું રહેશે કે આજની ગૃહમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત બાદ મોરબીમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટશે કે નહીં.

 

ગોસ્વામી સમાજ દ્વારા ગૃહમંત્રીને આવેદન પાઠવી ન્યાયની માંગ

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ગૃહમંત્રીને રજૂઆત કરી જણાવ્યું હતું કે કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામમાં આઠ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કરી હત્યા કરવામાં આવી હોય જે બનાવમાં ન્યાય મળે તેમ જલ્દી તપાસ પૂર્ણ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પ્રતિદિન કેસ ચલાવી ન્યાય આપવા માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat