હળવદ જૂથ અથડામણ મામલે માલધારી સમાજે કલેકટરને આવેદન પાઠવ્યું

સમસ્ત માલધારી સમાજ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન  પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું છે કે હળવદ તાલુકાના ગોપાલધામ મંદિરથી ધ્રાંગધ્રાના સોલડી ગામ સુધી હાઈવે પર થયેલી જૂથ અથડામણની ઘટનામાં ત્રણ ભરવાડ યુવાનના મોત થયા છે. જે મામલે માલધારી સમાજની માંગ જેવી કે દરેક મૃતકોના પરિવારને ૨૫-૨૫ લાખ આર્થિક સહાય, મૃતકના પરિવારને સરકારી નોકરી, મૃતકોના પરિવારને ગુજરાન ચલાવવા માટે ખેતીની જમીન ૧૦-૧૦ એકર આપવામાં આવે તે ઉપરાંત આ મામલે સીબીઆઈને તપાસ સોપવામાં આવે. આ બનાવમાં પોલીસ પણ સામાપક્ષને હિંસા કરવામાં મદદ કરી હોય જેથી સંડોવાયેલા તમામ પોલીસ કર્મચારી અને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને આરોપી તરીકે જોડવામાં આવે. આ બનાવનું વિડીયો રેકોર્ડીંગ હોય જે હાઈવે પરની હોટલના સીસીટીવી ફૂટેજ મેળવીને આરોપીની અટકાયત કરવામાં આવે. તેમજ સીસીટીવી ફૂટેજમાં વાહનો ઓળખીને આરોપી અને મુદામાલ જપ્ત કરવામાં આવે. તેમજ બનાવમાં હથિયારોનો ઉપયોગ કરાયો હોય જેથી બંદુક કે રિવોલ્વર જેવા પરવાના વાળા હથિયારો કબજે લેવામાં આવે વગેરે માંગ કરવામાં આવી હતી. આ તમામ માંગણીઓ ત્વરિત પૂર્ણ કરવા જણાવ્યું છે અન્યથા સમસ્ત માલધારી સમાજ કાયદાની મર્યાદામાં રહીને આંદોલન કરશે જેની તમામ જવાબદારી સરકારની રહેશે તેમ પણ જણાવ્યું છે.

 

Comments
Loading...
WhatsApp chat