કન્યા છાત્રાલયના ગ્રાઉન્ડમાં ભૂગર્ભના ગંદા પાણીથી વિદ્યાર્થીનીઓ ત્રાહિમામ

મોરબીમાં મેઘરાજાએ તો બે દિવસથી વિરામ લીધો છે પરંતુ તંત્રના પાપે હજુ નાગરિકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. શહેરમાં ભૂગર્ભ ગટર છલકાવાની ફરિયાદ દરેક વિસ્તારમાં જોવા મળતી હોય છે. મોરબીમાં વરસાદને પગલે નવા બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં આવેલી ભૂગર્ભ ગટર ઉભરાવવા લાગતા છેલ્લા ચાર પાંચ દિવસથી કન્યા છાત્રાલયમાં ગંદા પાણી ભરાયેલા જોવા મળે છે. કન્યા છાત્રાલયમાં ૬૫૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે જે ભૂગર્ભના ગંદા પાણીની દુર્ગંધ સહન કરવા મજબુર બની છે તો આસપાસના રેસીડેન્ટ વિસ્તારના ૫૦૦ થી વધુ લત્તાવાસીઓ પણ ઉભરાતી ગટરથી પરેશાન છે. ચાર પાંચ દિવસથી ઉભરાતી ગટર મામલે ચીફ ઓફિસર, જીલ્લા કલેકટર અને બાદમાં ધારાસભ્ય સુધી રજૂઆત કરી છે જોકે તંત્ર તેમની ફરિયાદ સાંભળીને પણ કોઈ કાર્યવાહી કરતુ નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. કન્યા છાત્રાલયમાં ગંદા પાણીના નિકાલ માટે કોલેજ દ્વારા બે મોટર મુકીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે પરંતુ ગંદા પાણીની દુર્ગંધથી અભ્યાસ પ્રવૃતિમાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. સમસ્યાથી ત્રાસી ગયેલી સ્કૂલ-કોલેજની વિદ્યાર્થીનીઓએ તંત્ર સામે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

 

Comments
Loading...
WhatsApp chat