

મોરબીના મચ્છુ ડેમ 2માંથી પાણી છોડતા મહાપ્રભુજીની બેઠક પરિસરમાં 7 ફુટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. બેઠકજીના મુખિયાજી અતુલભાઈ ભટ્ટ, રવજીભાઈ બોરીચા, સંજયભાઈ ભરવાડ અને ભલાભાઈ ભરવાડે ગૌશાળામાં ફસાયેલી 52 ગાયોને બચાવી મંદિર ખાતે સ્થળાંતર કર્યું છે. સેવાભાવીઓએ પોતાના પરિવાર કે જીવની ફિકર કર્યા વિના પાણીમાં ડૂબકી મારી મેઈન દરવાજો બંધ કર્યો હતો. મોરબી શહેરના વૈષ્ણવ સમાજના લોકો તથા નાગરિકોને મુખ્યાજી દ્વારા જાણ કરવામાં આવે છે કે ગાયોને કોઈ પણ જાતની જાનહાની થઇ નથી. જેથી ખોટી અફવા ફેલાવવી નહિ, ટ્રસ્ટીની હાજરીમાં ભલાભાઈ ભરવાડે ગાયોની ગણતરી કરાવી આપી છે. પાણી ઉતર્યા બાદ ટ્રસ્ટીઓ તથા વૈષ્ણવ સમાજના ભાવિકોએ પરિસરમાંથી માટી તથા કચરો ખસેડવાની કામગીરી હાથ ધરી છે. તેમજ મોરબી મહાનગરપાલિકાના ચીફ ઓફિસર તથા ફાયર વિભાગના ઇન્ચાર્જ ડી.ડી.જાડેજા દ્વારા જેટિંગ મશીનના ઉપયોગથી સફાઈ કરાવી હતી.