



મોરબી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ ઠેર ઠેર રોડ-રસ્તા તૂટી જતા તંત્રની પોલ ખુલી છે. શહેરમાં વરસાદી પાણીના બદલે ગટરના પાણી રસ્તા પર વહે છે. આ અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય મંત્રીએ આક્ષેપ કર્યો હતો કે, તંત્ર દ્વારા પ્રજાની સમસ્યાનો નિકાલ કરવામાં આવતો નથી. જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે કેટલાક ગામોના રસ્તાઓ તૂટી જતા સંપર્ક વિહોણા બન્યા છે. આવા ગામોમાંથી વિદ્યાર્થીનો અભ્યાસ, નોકરિયાતની રોજગારી, ધંધાર્થીનો ધંધો અને બીમાર દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શહેરના વિસ્તારોમાં રસ્તા પર ગટરના કારણે દુર્ગંધ પ્રસરી છે. લોકોનું કહેવું છે કે નગરપાલિકાને અવારનવાર ફરિયાદ કરવા છતાં યોગ્ય જવાબ મળતો નથી. મચ્છર જેવી નાની જીવાતોના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા છે. આ અંગે તંત્રએ યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે.

