મોરબી : પીએસઆઈ સહિતના ચારને કોર્ટએ એક વર્ષની સજા ફટકારી

મોરબી નામદાર કોર્ટે દ્વારા આજે એક ચુકાદો આપવામાં આવ્યો છે.જેમાં આરોપી પીએસઆઇ અને તેના નિવૃત સરકારી કર્મચારી પિતા તેમજ બે મહિલાઓને એક-એક વર્ષની સજા ફટકારી પીડિત પરિવારને ૨૦ હજાર વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં મોરબી તાલુકા પોલીસે ફરિયાદ ન લઇ આંખ આડા કાન કર્યા હતા અને આરોપી પોલીસ કર્મચારીને બચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોર્ટે ફરિયાદ નોંધવાનો હુકમ કરી આ કેસમાં સજા ફટકારી છે.

આ કેસની મળતી વિગત મુજબ પીએસઆઇ તરીકે ફરજ બજાવતા મહેશ હરખજી ટેટિયાની બહેન રિસામણે હોય જેથી પીએસઆઇ પરિવારના સભ્યોએ ચાર વર્ષ અગાઉ તા. ૩-૯-૨૦૧૪ ના રોજ પોતાની બહેનના ચાંચાપર રહેતા સાસરિયાના ઘરે જઈ આતંક મચાવ્યો હતો અને પોતાની બહેનની નણંદ અસ્મિતાબેન ભુદરભાઈ પટેલ અને તેની માતા અનસોયાબેનને માર મારવામાં આવ્યો હતો. આ બનાવની જેતે સમયે પીએસઆઇ પરિવારના હુમલાનો ભોગ બનનાર અસ્મિતાબેન ભુદરભાઈ પટેલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરી હતી પરંતુ આરોપીઓ પોલીસ પરિવારના હોવાથી માત્ર એનસીની નોંધ જ કરવામાં આવી હતી.

જેથી ફરિયાદી અસ્મિતાબેને જિલ્લા પોલીસ વડા સમક્ષ પણ ફરિયાદ કરવા છતાં પોલીસે ફરિયાદ ન લેતા અંતે અસ્મિતાબેને પોતાના વકીલ નરેન્દ્રસિંહ જે. ઝાલા મારફત મોરબી કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવા અરજ કરતા નામદાર અદાલતે આ કેસમાં આરોપી પીએસઆઇ મહેશ હરખજી ટેટિયા અને તેના પિતા હરખજી હરજીભાઈ ટેટિયા, ભગવતીબેન હરખજી ટેટિયા તથા ઊર્મિલા હરખજી ટેટિયા સહિતના સામે ફોજદારી કાર્યરિતિ અધિનિયમ મુજબ ગુન્હો નોંધી આ કેસ ચલાવ્યો હતો જેમાં આજે પીએસઆઇ અને તેના નિવૃત સરકારી કર્મચારી પિતા તેમજ બે મહિલાઓને કસૂરવાર ઠેરવીને એક-એક વર્ષની સજા ફટકારી પીડિત પરિવારને ૨૦ હજાર વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.તેમજ આરોપી પી.એસ.આઈ મહેશ હરખજી ટેટીયા બનાવ સમયે રાજકોટમાં અને હાલ ભુજમાંફરજ બજાવે છે તેમ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat