મોરબી : તહેવારો નિમિતે ફરસાણ-મીઠાઈનું ભાવબાંધણું, અમલવારી થશે ખરી ?

જીલ્લા કલેકટરે આદેશ આપ્યા, અમલવારી થાય તે પણ જરૂરી

મોરબી જિલ્લા કલેકટર આર.જે માકડીયાના અધ્યક્ષ સ્થાને ફરસાણ/મીઠાઇના વેપારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરએ ગરીબ અને મધ્યમ વર્ગ પણ તહેવારોમાં ફરસાણ/મીઠાઇ ખરીદી શકે તે માટે વેપારીઓ સાથે બેઠક યોજીને ભાવ નક્કી કરવામાં આવેલ છે.

જેમાં દુધની મીઠાઇનો કિલોગ્રામનો ભાવ રૂા ૨૦૦/-, બેસનની મીઠાઇ(લાડુ,વ..)નો કિલોગ્રામનો ભાવ રૂા ૧૨૫/-, તેમજ ફરસાણ (ગાઠીયા વિ..) નો કિલોગ્રામનો ભાવ રૂા ૧૬૦/- રાખવા સૂચના આપવામાં આવેલ છે. તેમજ વેપારીઓએ ભાવના બોર્ડ સુવાચ્ય અક્ષરોમાં તમામ ને દેખાય તે રીતે રાખવા, ફરસાણ/મીઠાઇ ખુલ્લામાં ન રાખતા ઢાંકણા જારીમાં રાખવા, મોટા ચુલા કે સગડીઓ આસપાસ આડસ રાખવા, વપરાયેલ તેલમાં વારંવાર ન તરવા, દુધની મીઠાઇઓ બગડી ન જાય તેની કાળજી લેવા અને બગડેલી મીઠાઇ પશુઓને ન આપતા યોગ્ય રીતે નિકાલ કરવા, ઇલેકટ્રોનીક તથા અન્ય વજન કરવાના સાધનો ચેક કરાવી લેવા ફરસાણ અને મીઠાઇ બનાવવાના સ્થળને સ્વચ્છ રાખવા, ફરસાણ/મીઠાઇની ગુણવત્તા જાળવવા તેમજ તહેવારો દરમ્યાન ૬૦ માઇક્રોની પ્લાસ્ટીકની થેલી વાપરવા ઉપસ્થિત વેપારીઓને સુચના આપવામાં આવી હતી. તેમજ અન્ય વેપારીઓને પણ જાણ કરવા જણાવ્યું હતું

તેમજ વાસી, અખાધ્ય કે ભેળસેળ વાળો, ઓછા વજનનો માલ વેચનાર વેપારીની તપાસ માટે નગરપાલીકા, ખોરાક અને ઔષધ નિયામકની કચેરી અને તોલમાપ કચેરીના અધિકારીઓને તહેવાર દરમ્યાન ચેકીંગ કરવા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે આ બેઠકમાં પુરવઠા અધિકારી દમંયતિબેન બારોટ, ખોરાક અને ઔષધી નિયમન તંત્રના હર્ષા બી. પટેલ તોલમાપ કચેરીના ડી.સી. માકડીયા સહિત જિલ્લાના મીઠાઇ ના વેપારીઓ ઉપસ્થિત રહયા હતા.

દર વર્ષે તહેવારોમાં મીઠાઈ અને ફરસાણના ભાવબાંધણું કરવામાં આવતું હોય છે જોકે તંત્ર દ્વારા અપાયેલા આદેશનું પાલન કરવા સંબંધિત કચેરી ચેકિંગ કરવામાં ઉદાસીનતા સેવે છે જેથી વેપારીઓ મનફાવે તેવા ભાવો લઈને ગ્રાહકો સાથે લૂંટ ચલાવતી હોય છે

Comments
Loading...
WhatsApp chat