કોંગ્રેસ ખોટા વચનો આપતી નથી, કામ કરી બતાવ્યું છે : કોંગ્રેસ પ્રભારી

રાહુલ ગાંધીના પ્રવાસ પૂર્વે કાર્યકરો સાથે બેઠક યોજાઈ

મોરબીના એપોલો હોલ ખાતે આજે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ૩૩ ગામોમાં બુથ દીઠ ૧૫-૧૫ કાર્યકરો છે તેની સાથે સંવાદ કરવા કોંગ્રેસના પ્રભારી બાલેન્દ્ર વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી બ્રિજેશભાઈ મેરજા, કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા, ઘનશ્યામ જાકાસણીયા સહિતના અગ્રણીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રાહુલ ગાંધીના કાર્યક્રમની માહિતી કાર્યકરોને આપીને ભવ્ય સન્માન માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી તો મીડિયા સાથે વાતચીત કરતા પ્રભારીએ જણાવ્યું હતું કે પ્રજાના સમીકરણોને કોંગ્રેસ પ્રાધાન્ય આપે છે. પ્રજાએ વિકાસને ગાંડો કર્યો છે તે પુરતું છે. કોંગ્રેસ કહે છે એટલું કરે છે તે ભૂતકાળમાં સાબિત કર્યું છે. ખોટા વચનો નથી આપતા અને પ્રજાહિત કોંગ્રેસ માટે અગ્રેસર હોવાનું પણ જણાવ્યું હતું. ૩૩ ગામોમાં બુથ દીઠ ૧૫-૧૫ સભ્યોની ફોજ તૈયાર કરવામાં આવી છે જેની સાથે આજે સ્થાનિક મુદાઓની ચર્ચા કરીને ચુંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવશે તેમજ વિકાસ ગાંડો થયો છે તે હથિયારનો કોંગ્રેસ હજુ શક્ય તેટલો ઉપયોગ કરશે તેવા સંકેત પણ આજે પ્રભારી દ્વારા આપવામાં આવ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat