ગામના ખરાબાની જમીન પરત લેવા જીલ્લા કોંગ્રેસ કાર્યાલય મંત્રીની રજૂઆત

મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય મંત્રી  કાન્તિલાલ ડી. બાવરવાએ વન અને પર્યાવરણ વિભાગનાં સચિવને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે આજથી ૫૦ વર્ષ પહેલા દરેક ગામડે ૨૦થી ૫૦ એકર જમીનમાં રક્ષિત જંગલ બનાવવા માટે કેન્દ્ર સરકારમાં આયોજન થયેલ હતું. પરંતુ જંગલ ખાતું ૫૦ વર્ષ સુધીમાં રક્ષિત જંગલ બનાવવાની કાર્યવાહીનો સમય પૂર્ણ થયેલ હોવા છતાં રક્ષિત જંગલ કરી શકી નથી તેમજ ૫૦ વર્ષમાં એક પણ વૃક્ષ વાવેતર કરેલ નથી કે ઉછેર કરેલ નથી. આ જમીનમાં ગાંડા બાવળ જે કુદરતી રીતે ઉછેર થાય છે તે સિવાય કોઈ વૃક્ષ નથી. હવે પશુઓની સંખ્યા વધતા પશુઓને ચરવા માટે જમીન પુરતી નથી. બે ગામડાને જોડતા ગાડા માર્ગે ગાંડા બાવળને લીધે રસ્તા બંધ થઇ ગયેલ છે અને આવી પરિસ્થિતિમાં જંગલ ખાતા દ્વારા આ બાવળો કાઢવામા આવતા નથી તેમજ પંચાયતોને પણ બાવળ દુર કરવાની મંજુરી આપતા નથી. આ અંગે અવારનવાર ગ્રામ પંચાયત, ખેડૂતો, માલધારીઓને જંગલ ખાતાના સ્ટાફ સાથે ઘર્ષણ થાય છે. આ ગાંડા બાવળમાં ભૂંડ અને રોઝનો વસવાટ થાય છે જેથી આજુબાજુ ખેતીના પાકને ઘણું જ નુકશાન કરે છે. જંગલ ખાતા હસ્તગત વિસ્તારમાંથી પસાર થતા વોકળાં, નદીઓ વગેરે પર ચેકડેમ કરી પિયત વધારવાની સારી પ્રવૃત્તિ કરવામાં આવતી નથી કે કરવા દેવામાં આવતી નથી. જંગલ ખાતા હસ્તગત વિસ્તારમાં આવેલા ચેકડેમ કે તળાવોમાંથી ખેડૂતોને માટી ઉપાડવા દેવામાં આવતી નથી. રાષ્ટ્રીય સ્તરની કે રાજ્યસ્તરની યોજનાઓ કેનાલ, ડેમ, રેલ્વે, હાઇવે, ચેકડેમ, પાઈપ લાઈન વગેરેને જમીન માટે જંગલ ખાતાનું ક્લીયરન્સ તાત્કાલિક મળતું નથી અને યોજનાઓના કામમાં અવરોધ થાય છે જેનાથી યોજનાઓનું બજેટ વધી જાય છે. જ્યાં પણ આવા જંગલ જે રક્ષિત થયેલ નથી તો જંગલ ખાતા દ્વારા શરત ભંગ કરેલ હોવાથી આવી જમીનો ખાલસા કરવી જોઈએ.

Comments
Loading...
WhatsApp chat