મોરબીની સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ ખખડધજ હાલતમાં

મોરબીની જીલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલનું તંત્ર કેટલું બેદરકાર છે તેના અનેક ઉદાહરણો મળતા જ રહે છે. તંત્રના પાપે દર્દીઓ જીલ્લાકક્ષાની હોસ્પિટલનો લાભ લઇ સકતા નથી. હોસ્પિટલમાં અનેક અવ્યવસ્થાઓ અને અગવડતાઓ દર્દીઓને સહન કરવી પડે છે ત્યારે હોસ્પિટલની એમ્બ્યુલન્સ પણ ખખડધજ હાલતમાં જોવા મળે છે

મોરબીની સિવિલ હોસ્પિટલમાં નિયમિત સફાઈ ના થતી હોવાથી દરેક ખૂણે ગંદકીના થર જામેલા જોવા મળે છે તો અવારનવાર લીફ્ટ ખોટવાઈ જતી હોવાથી દર્દીઓને ખભે ઉચકીને ઉપરના માળે દાખલ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સીવીલ હોસ્પિટલ જીલ્લા કક્ષાની હોવાથી અન્ય હોસ્પિટલ જેમ સિવિલમાં પણ એમ્બ્યુલન્સની સુવિધા આપવામાં આવી છે. મોરબીની સિવિલ હોસ્પિટલમાં ત્રણ ત્રણ એમ્બ્યુલન્સ છે પરંતુ જાળવણીના અભાવે તમામ ત્રણ એમ્બ્યુલન્સ ખખડધજ હાલતમાં જોવા મળે છે જેનું મેન્ટેનન્સ તો છોડો પણ એમ્બ્યુલન્સમાં સફાઈ પણ થતી ના હોવાથી ગંદકી અને દુર્ગંધથી દર્દીઓ અને તેના સગાઓના માથા ફાટી જતા હોય છે. હોસ્પિટલના વિવિધ પ્રશ્નો સંદર્ભે આંદોલન ચલાવતા સામાજિક કાર્યકર રાજુભાઈ અને જગદીશભાઈએ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડો. દૂધરેજિયાને લેખિત અરજી પણ આપી છે જેમાં એમ્બ્યુલન્સની દયનીય હાલત જણાવવામાં આવી છે ત્યારે હવે તંત્ર એમ્બ્યુલન્સના મામલે ગંભીરતા દાખવે છે કે નહિ તે જોવાનું રહ્યું.

Comments
Loading...
WhatsApp chat