ત્રણ માસમાં સિરામિક ઉદ્યોગનું અધધ… ૧૫૧૧ કરોડનું એક્સપોર્ટ

સ્થાનિક ઉદ્યોગ વિદેશી હુંડીયામણ કમાવીને દેશના અર્થતંત્રને મજબુત બનાવે, આગામી ત્રિમાસિક ગાળામાં એક્સપોર્ટમાં ૩૫ % ગ્રોથ : એશો. પ્રમુખ

ગત વર્ષે યોજાયેલા વાઈબ્રન્ટ સિરામિકની ભવ્ય સફળતા બાદ ચાલુ વર્ષે પણ સિરામિક એશો. દ્વારા વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો સમિટનું આયોજન કર્યું છે. મોરબીમાં ઉત્પાદન કરેલી સિરામિક ટાઈલ્સને દુનિયાના દરેક દેશોમાં એક્સપોર્ટ કરવાના લક્ષ્ય સાથે સિરામિક ઉદ્યોગ આગળ વધી રહ્યો છે. સ્થાનિક બજારમાં સસ્તો માલ પહોંચાડવા ઉપરાંત એક્સપોર્ટ ક્વોલીટીની ટાઈલ્સ બનાવીને દુનિયાભરના દેશોમાં એક્સપોર્ટ કરીને વિદેશી હુંડીયામણ કમાઈ આપીને દેશના અર્થતંત્રને મજબુત બનાવી રહ્યા છે. સિરામિક ઉદ્યોગના એકમો તેમજ એક્સપોર્ટ કરતી પેઢીઓ મળીને કુલ ૫૧૯ એકમો-પેઢીઓ દ્વારા એપ્રિલથી જુન ૨૦૧૭ ના ત્રણ માસના ગાળામાં જ ૧૫૧૧ કરોડનું એક્સપોર્ટ કર્યું છે. તો વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો બાદ તો એક્સપોર્ટમાં વધુ ઉછાળો આવશે તેમ જાણકારો માની રહ્યા છે.

 

૧૦ કંપની દ્વારા ૩૪૮ કરોડનું એક્સપોર્ટ

મોરબીની સિરામિક કંપની અને પેઢીઓ દ્વારા છેલ્લા ત્રીમાસિક ગાળામાં ૧૫૦૦ કરોડથી વધુનું એક્સપોર્ટ કર્યું છે જેમાં ૧૦ અગ્રણી કંપનીઓ દ્વારા જ ૩૪૮.૧૬ કરોડનું એક્સપોર્ટ કરવામાં આવ્યું છે. જયારે ૧૦ કરોડથી ૨૨ કરોડ સુધી ૨૨ કંપનીએ એક્સપોર્ટ કર્યું છે. સૌથી વધુ સનસાઈન ટાઈલ્સ કંપની પ્રાઈવેટ લીમીટેડે ત્રણ માસમાં ૬૧.૮૯ કરોડનું, વરમોરા ઇન્ટરનેશનલ દ્વારા ૪૬.૮૧ કરોડ, લેક્સસ ગ્રેનાઈટોનું ૩૬.૪૪ કરોડ, રોયલ એક્સપોર્ટર્સનું ૩૬.૧૮ કરોડ અને મીલેનીયમ ઓવરસીસ દ્વારા ૩૫.૨૫ કરોડનું એક્સપોર્ટ ત્રિમાસિક ગાળામાં કરવામાં આવ્યું છે.

 

એક્સપોર્ટમાં ૩૫ % ગ્રોથ આવશે

વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો  અંતર્ગત દુનિયાભરના દેશોના એક્ઝહીબીશનમાં પ્રમોશન કરવામાં આવ્યું છે જેથી એક્સપોર્ટમાં વધારો નોંધાયો છે. જોકે એપ્રિલથી જુનના ત્રિમાસિક ગાળામાં જે ૧૫૦૦ કરોડથી વધુનું એક્સપોર્ટ થયું છે તેમાં ૩૫ % થી વધુ ગ્રોથ આવશે જેથી આગામી ત્રિમાસિક ગાળામાં સિરામિક ઉદ્યોગનું એક્સપોર્ટ ૨૨૦૦ કરોડથી વધી જશે તે નક્કી છે. વાઈબ્રન્ટ સિરામિક પૂર્વે જ દુનિયાભરના બાયરો સિરામિક ઉદ્યોગ સાથે વેપાર કરવા લાગ્યા છે જેથી એક્સપોર્ટમાં સ્વાભાવિક જ વૃદ્ધિ જોવા મળશે. તેમ મોરબી ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં સિરામિક એસોસીએશન પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું.

 

  • પ્રથમ ૧૦ કંપની દ્વારા ૩૪૮.૧૬ કરોડનું એક્સપોર્ટ
  • ૨૨ કંપની ૧૦ કરોડથી ૨૨ કરોડ સુધી એક્સપોર્ટ
  • ૧૩૭ કંપનીનું ૧ થી ૧૦ કરોડ સુધીનું એક્સપોર્ટ
  • ૭૦ થી વધુ કંપનીનું ૧ કરોડ કે તેથી વધુનું એક્સપોર્ટ

 

Comments
Loading...
WhatsApp chat