



મોરબીનો સિરામિક ઉદ્યોગ સરકારી પ્રોત્સાહન વિના જ સ્વયં બળે વિકાસ પામ્યો છે અને આજે વિશ્વ કક્ષાએ સિરામિક ઉદ્યોગે પોતાની નામના મેળવી છે. હજુ પાયાના પ્રશ્નો સિરામિક ઉદ્યોગને સતાવી રહ્યા છે. મોરબી નજીક હાઈવેથી છેક વાંકાનેર સુધી પથરાયેલો તે ઉપરાંત પીપળી રોડ અને ઘૂટું રોડ સુધી અનેક યુનિટો આજે સિરામિકના ધમધમી રહ્યા છે. જે સિરામિક એકમોમાં વપરાતા સ્પ્રે ડ્રાયરમાં ટાઈલ્સ બનાવવા માટે વપરાતી માટી, પાવડર વગેરે જે વેસ્ટ નીકળતો હોય છે તેનો યોગ્ય નિકાલ કરી સકાય તેવા હેતુથી સિરામિક એશો. દ્વારા દોઢેક વર્ષ અગાઉ તે વખતના કલેકટરને ડમ્પિંગ સાઈટ માટેની માંગણીઓ કરી હતી. મોરબી નજીકના ઘૂટું રોડ, જાંબુડિયા રોડ અને સરતાનપર રોડ એ ત્રણ સ્થળોએ મોટી ખાઈ આવેલી છે જે સ્થળ સિરામિકના આવા વેસ્ટના નિકાલ માટે યોગ્ય હોવાથી તે સૂચન સાથેની રજૂઆત કરવામાં આવી છે અને રજૂઆતને પગલે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને સાથે રાખીને સ્થળ વિઝીટ કરવામાં આવી છે. પ્રદુષણ બોર્ડ દ્વારા પણ આ સાઈટને લીલી ઝંડી આપવામાં આવી હોવા છતાં જીલ્લા કલેકટર કચેરીમાંથી ફાઈલ આગળ વધતી જ નથી. મોરબી જીલ્લામાં ત્યારબાદ આવેલા હાલના કલેકટર આઈ.કે.પટેલ સમક્ષ એશો.એ માંગ કરી છે ત્યારે સિરામિક ઉદ્યોગની ડમ્પિંગ સાઈટ માટેની માંગણી ક્યારે સંતોષવામાં આવે છે તેની રાહ ઉદ્યોગપતિઓ જોઈ રહ્યા છે. મોરબી સિરામિક એશો.ના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા મોરબી ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે કે મોરબી પંથકમાં આવેલા વિવિધ સિરામિક યુનિટો તેમજ સ્પ્રે ડ્રાયરમાંથી જે માટી-પાવડર વેસ્ટ નીકળતો હોય છે તેના નિકાલ માટે ડમ્પિંગ સાઈટની માંગ કરવામાં આવી છે. અંદાજે નિયમિત ૧૦૦ થી ૧૫૦ ટન જેટલ વેસ્ટનો નિકાલ ક્યાં કરવો તે સમસ્યા ઉદ્યોગપતિઓને નિયમિત સતાવે છે જોકે રોડ પર આડેધડ વેસ્ટના નિકાલને અયોગ્ય ગણાવીને આવા એકમો સામે કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી છે. મોરબીના સિરામિક ઉદ્યોગની ડમ્પિંગ સાઈટની માંગ સ્વીકારવામાં આવે તેવી માંગ સિરામિક એશો. કરી રહ્યું છે.

