


સ્વામિનારાયણ સંપ્રદાયની સત્સંગ સભામાં બ્રહ્મસ્વરૂપ સ્વામી ખોડિયાર માતાજીનું અપમાન કરતા હોય તેવો વિડિયો વાયરલ સોશિયલ મીડિયામાં થયો હતો. જેને પગલે ખોડિયાર માતાજીના ભક્તોમાં રોષ વ્યાપી ગયો હતો. જેને પગલે આજે માટેલધામ ખાતે આવેલ ખોડીયાર માતાજી મંદિરના ટ્રસ્ટીમંડળ, મહંત અને ભક્તો દ્વારા મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી બ્રહ્મસ્વરૂપ સ્વામી માફી માંગે તેવી માંગ કરી છે અન્યથા ફોજદારી કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે
શ્રી ખોડીયાર માતાજી મંદિર માટેલ દ્વારા આવેદન પાઠવી જણાવ્યું છે કે વડતાલ સ્વામીનારાયણ મંદિરના કોઠારી બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા જોગમાયાશ્રી રાજરાજેશ્વરી ખોડીયાર માતાજી વિશે બિનજરૂરી વિવાદ થાય તેવો વિડીયો સોશ્યલ મીડીયા ઉપર ફરતો થયેલ છે. સ્વામી બ્રહ્મસ્વરૂપ દ્વારા માતાજી વિશે ગેરવ્યાજબી ટીપ્પણી કરી છે જેનાથી સમગ્ર ભારતમાં વસતા ખોડીયાર માતાજીના ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે.
જેના કારણે સમાજમાં અશાંતિનું વાતાવરણ ઉત્પન્ન થયું છે જેથી પોતાના આ અધમ કૃત્ય બદલ સ્વામી બ્રહ્મસ્વરૂપ લેખિતમાં અને સોશ્યલ મીડીયામાં આવીને ૧૦ દિવસમાં માફી માંગે. જો માફી માંગવામાં નહીં આવે તો સ્વામી બ્રહ્મસ્વરૂપ સ્વામી વિરુદ્ધ ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે