



મોરબીના વિસીપરા વિસ્તારમાં ચોરીના મોબાઈલ વેચવાની શંકાસ્પદ હિલચાલને પગલે બી ડિવિઝન પોલીસે એક ઈસમને ઝડપી લઈને તેની પાસેથી 13 શંકાસ્પદ મોબાઈલ ઝડપી લીધા છે અને આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી બી ડીવીઝન પીઆઈ આર કે ઝાલાની સુચનાથી પીએઆઈ એ.બી.જાડેજા તથા પી.એમ.પરમાર, જે.કે.ઝાલા, ક્રિપાલસીંહ વી ચાવડા, અંબાપ્રતાપસીંહ પી.જાડેજા, ભરતભાઇ એસ. હુંબલ, મહાવિરસિંહ પરમાર, વનરાજભાઇ એમ ચાવડા , રાજેશભાઇ ડાંગર તથા અર્જુનસિંહ એલ.ઝાલા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન વનરાજભાઇ ચાવડા તથા મહાવિરસિંહ પરમારને ખાનગી રાહે મળેલી બાતમીને આધારે વીશીપરા ચોકીથી આગળ ચાર ગોડાઉનની આગળ ડીલકસ પાનની બાજુમાં એક ઇસમ થેલીમા ઘણાબધા મોબાઇલો લઇને ઉભો છે. અને તે બીલ વગરના મોબાઇલ સસ્તામા આપવાની પેરવીમાં છે.
જે બાતમીને આધારે પોલીસે સ્થળ પર દોડી જઈને આરોપી મથુરભાઇ ઉર્કે મયો મોતીભાઇ થોભણભાઇ સુસરા જાતે ભરવાડ ઉ.વ.૨૦ રહે.મોરબી -૨ વીશીપરા ખાદી ભંડાર સામે મુળગામ-ખેવારીયા તા.જી.મોરબી વાળો ઉભેલ હોય જેના હાથમાં રહેલ થેલી ચેક કરતા અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ-૧૩ મળી આવેલ હતા જેને પગલે મોબાઇલોના બીલ માંગતા તેની પાસે નહી હોવાનુ જણાવતા તથા આ બધા મોબાઇલ ક્યાંથી લાવેલ છે તે અંગે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.
જેથી આરોપીએ પોતાની પાસે રહેલ મોબાઇલો ચોરીના હોવાની શંકાને આધારે જુદી જુદી કંપનીના મોબાઇલ ફોન નંગ-૧૩ ની કુલ કિંમત રૂપીયા-૭૨,૦૦૦/ નો મુદામાલ જપ્ત કરી આરોપીની અટકાયત કરવામાં આવી છે



