મોરબી: 6 વર્ષમાં 94 જેટલી HIV ગ્રસ્ત સગર્ભા મળી આવી છતાં તેના સંતાનો એઇડ્સ મુક્ત, જાણો કઈ રીતે



HIV એઇડ્સ, આ બીમારીને આજે 40 વર્ષ થઈ ગયાં છે. 40 વર્ષે પણ મેડિકલ સાયન્સ આ બીમારીની વેક્સિન કે પછી કોઈ ચોક્કસ દવાઓ શોધી શક્યું નથી, પણ હા, એટલી પ્રગતિ જરૂર કરી છે કે યોગ્ય સારવારથી HIV પોઝિટિવ દર્દી એક સામાન્ય માણસની જેમ જ જિંદગી જીવી શકે છે. ત્યારે ગુજરાતમાં જી.એસ.એન.પી.+ નામનું સંગઠન કાર્યરત છે. જે HIV ગ્રસ્ત સગર્ભાઓના આવનાર સંતાનને સંક્રમણથી બચાવીને સગર્ભાને આનુસંગિક આરોગ્યલક્ષી સેવાઓ અને અન્ય સરકારી યોજનાઓ સાથે જોડવા માટે કડીરૂપ કામગીરી કરવામાં આવે છે.જે અંતર્ગત મોરબી જીલ્લા કક્ષાએ 2018થી લઈ 2023 સુધીમાં અંદાજીત 94 એચ.આઇ.વી. પોઝીટીવ સગર્ભા મહિલાની નોંધણી થઈ છે અને અંદાજીત 99.5% બાળકો એચ.આઇ.વી.મુક્ત બન્યા છે.
નોંધનીય છે કે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના સહયોગથી NACP-V પ્રોગ્રામ અંતર્ગત જી.એસ.એન.પી.+ દ્વારા HIV ગ્રસ્ત સગર્ભાની ઓળખ થાય બાદ તેની નોંધણીથી લઈ પ્રસૂતિ સુધી અને ત્યારબાદ બાળક 18 માસનું થાય ત્યાં સુધી તેમને તમામ સેવા પૂરી પાડવામાં આવે છે અને જ્યારે બાળક 18 માસનું થાય ત્યારે બાળકનો અંતિમ વાર એચ.આઇ.વી. ટેસ્ટિંગનો રિપોર્ટ કરવામાં આવે છે. જે બાદ ફલિત થાય છે કે બાળક એઇડ્સ મુક્ત થયું છે.

