મોરબી : ITના દરોડાનો બીજો દિવસ, ગઈકાલે કરોડથી વધુના બેનામી વ્યવહારો મળ્યા

અમદાવાદ, વડોદરા, સુરત જેવાં શહેરોમાં છેલ્લા મહિનાઓમાં ઇન્કમટેક્સે દરોડા ઓપરેશન કર્યા બાદ હવે મોરબીનો વારો લેવામાં આવ્યો હોય એમ મંગળવાર સવારથી ટોચના સિરામિક ગ્રુપ પર તવાઈ ઉતારવામાં આવી હતી. જેમાં રાજકોટ ઈન્કમટેક્સ ઇન્વેસ્ટિગેશન વિંગે મંગળવારે ક્યુટોન સિરામિક ગ્રૂપ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

 

હાલ અંગત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ કંપનીના માલિક- સંચાલક અંડર ઈન્વોઈસિંગ એટલે કે વેચાણ કિંમત કરતા ઓછી રકમનું બિલ બનાવીને ટેક્સચોરી કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. મંગળવારે સિરામિક ઉદ્યોગજગતમાં મોટું નામ ધરાવતા અને વાંકાનેર તાલુકાની હદમાં વઘાસિયા ટોલનાકા પાસે આવેલા ક્યુટોન સિરામિક તેમજ ઢુવા પાસે આવેલી કંપનીના જ અન્ય એક એકમમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.જેમાં સવારે દરોડા પડ્યા હતા અને બપોરે 1 કલાક બાદ બેનામી વ્યવહારોના દસ્તાવેજો મળવાનું શરૂ થયું હતું. રાજકોટ, અમદાવાદ ,મોરબી રાયપુર અને મુંબઇમાં પણ આ કંપનીની ઓફિસ- પેઢી આવેલી હોય ત્યાં પણ ઈન્કમટેક્સની ટીમ પહોંચી હતી. એક ટીમ રાજકોટથી મુંબઇ તપાસ કરવા ગઇ હોવાનું સામે આવ્યું છે.વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે રેડ દરમિયાન પાંચ કરોડથી વધુ બેનામી વ્યવહાર આઈટીના હાથે લાગ્યા હતા જયારે કરોડોની રોકડ રકમ અને જ્વેલરી પણ મળી આવી હતી. ક્યુટોન સિરામિકના ડિસ્ટ્રિબ્યૂટર અને તેની સાથે નાણાકીય વ્યવહાર રીતે સંકળાયેલા બિલ્ડકોન ગેલેરી, પટેલ ગ્રેનાઈટ, ઓસ્કાર સેનિટરી વેર્સ, ડી.એસ. ફાઈનાન્સ, ડેસ્ટિની વિટ્રિફાઈડમાં તપાસ કરાઈ હતી. જોકે આ અંગે આવકવેરા વિભાગે સત્તાવાર માહિતી જાહેર કરી ન હતી.હાલ 25 જેટલાં સ્થળે 100થી વધુ અધિકારીઓ ત્રાટક્યા છે અને એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે રાજ્યભરના ઇન્કમટેક્સના અધિકારીઓ આ દરોડામાં જોડાયા છે. જેને પગલે કરોડોની કરચોરી પકડાવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. આવકવેરા વિભાગનાં ટોચનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ગઈકાલે મોહરમની રજાના દિવસે જ રાજકોટ, મોરબી અને અમદાવાદમાં દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવતાં ઉદ્યોગજગત પણ સ્તબ્ધ થઈ ગયું છે. ત્યારે હવે જોવાનું રહેશે આ દરોડામાં કેવી કાર્યવાહી થશે.

 

Comments
Loading...
WhatsApp chat