માળીયાના ખીરઈના માજી સરપંચની નાણા ઉચાપત કેસમાં ધરપકડ, જેલહવાલે



માળિયા તાલુકાના ખીરઈ ગામના સરપંચ અને તલાટી મંત્રી દ્વારા નાણાપંચની રૂ. ૪.૬૩ લાખની ગ્રાન્ટ વાપરી નાખવામાં આવી હોય અને જેના હિસાબો રજુ કરવામાં ના આવતા તાલુકા વિકાસ અધિકારીએ બંને વિરુદ્ધ લાખોની ઉચાપત અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે મામલે માજી સરપંચની ધરપકડ કરવામાં આવી છે.
માળિયાના ખીરઈ ગામના તલાટી કમ મંત્રી એ.ડી.ફોક અને પૂર્વ સરપંચ સવિતાબેન વિનોદભાઈ ચાવડાએ વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસ કામો કરવાને બદલે રૂ. ૪.૬૩ લાખ રૂપિયા વાપરી નાખ્યા હોય તે નાણા ક્યાં વાપર્યા અને તેના હિસાબો કે વાઉચર બનાવ્યા નથી. જેથી આ રૂ. ૪.૬૩ લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોય જેને પગલે માળીયાના તાલુકા વિકાસ અધિકારી શૈલેશભાઈ ચાવડાએ આ અંગે માળિયા તાલુકા પોલીસમથકમાં ખીરઈ ગામના પૂર્વ સરપંચ અને તલાટી કમ મંત્રી વિરુદ્ધ નાણાની ઉચાપત અંગે ડીસેમ્બર ૨૦૧૭ માં ફરિયાદ કરવામાં આવી હોય જે ફરિયાદ બાદ આખરે માજી મહિલા સરપંચ સામેથી પોલીસમાં હાજર થયા હતા અને વિધિવત અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં જેલહવાલે કરવામાં આવ્યા હતા.

