

મોરબીની મચ્છુ કેનાલ માઈનોર ૨ પર આજુબાજુની સોસાયટીવાળા દ્વારા દબાણ કરવામાં આવ્યા છે જેનાથી કેનાલને નુકશાન પહોંચ્યું છે તે ઉપરાંત અવધ સોસાયટી પાસે કેનાલમાં ભૂંગળા નાખવામાં આવી રહ્યા છે જેથી માધાપર, વજેપર, અમરેલી અને ગોર ખીજડીયાના ખેડૂતોને અન્યાય થઇ રહ્યો છે જે અંગે આજે ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી હતી.
માધાપર વાડીના ખેડૂતોએ આજે મચ્છુ જળ સિંચાઈ યોજનાના સેક્શન ઓફિસરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે માઈનોર કેનાલમાં ભૂંગળા નાખવાનું કામ બંધ કરાવવા જણાવ્યું છે. મચ્છુ કેનાલ માઈનોર ૨ માં ભૂંગળા નાખવાની મંજુરી કોને આપી છે, ભૂંગળા નાખવાથી કેનાલનું લેવલ જળવાઈ નહિ,કેનાલ પર દબાણ થયું છે તે કોના હુકમથી મંજુર કરાયું છે. શનાળા બાયપાસ રોડ કે જ્યાંથી માઈનોર ૨ માં પાણી છોડવામાં આવે છે ત્યાંથી છેક નવલખી રોડ સુધી ચાર ફૂટ ઉંચાઈવાળા ભૂંગળા નાખવાની છોડવામાં આવે છે છતાં કટકે કટકે ભૂંગળા નાખવાની કોને મંજુરી આપી છે અથવા કોના હુકમથી કામ ચાલુ કરાવ્યું છે તેવા સવાલો ખેડૂતોએ ઉઠાવ્યા હતા. વધુમાં લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે મચ્છુ કેનાલ માઈનોર ૨ ખેડૂતોને પાણી આપવા બનાવેલ છે આ કેનાલ આજુબાજુની જમીન નિયમ મુજબ ઈરીગેશનની છે. જેથી આ વિસ્તારના ખેડૂતો છતે પાણીએ તંગી ભોગવી રહ્યા છે અને તેને અન્યાય થઈ રહ્યો છે જે મામલે યોગ્ય કરવાની માંગ કરવામાં આવી છે.
કોર્ટ કાર્યવાહી કરવાની ચીમકી
ખેડૂતોએ આજે મચ્છુ જળ સિંચાઈ યોજનાના નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી એમ પણ જણાવ્યું છે કે અમને છેલ્લા પાંચ વર્ષથી કેનાલમાં પાણી છોડ્યું નથી અને મેઈન કેનાલમાં પાંચ વર્ષમાં ત્રણ વખત પાણી આપ્યું છે જેથી તેની આજીવિકાનું સાધન લેભાગુ તત્વો છીનવી રહ્યા છે જે અંગે તાકીદે યોગ્ય પગલા ના ભરાય તો કાનૂની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.